<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ઘાસચારા કૌભાંડઃ લાલુ યાદવને રાહતઃ જામીન રદ કરવાની CBIની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ઝારખંડ હાઈકોર્ટના ૨૦૧૯ના જામીન ઓર્ડરમાં હસ્‍તક્ષેપ કરવાનો ઈનકાર

નવી દિલ્‍હી, તા.૧૪: આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દેશની સર્વોચ્‍ચ અદાલતમાંથી મોટી કાનૂની રાહત મળી છે. ચકચારી ઘાસચારા કૌભાંડના દેવઘર તિજોરી કેસમાં લાલુ યાદવના જામીન રદ કરવાની માંગ કરતી CBIની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્‍ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્‍ટિસ પી. બી. વરાલેની બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું હતું કે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા ૨૦૧૯માં આપવામાં આવેલા જામીનના આદેશમાં લગભગ સાત વર્ષ જેટલો સમય વીતી ગયા પછી દખલગીરી કરવી યોગ્‍ય નથી. આ સાથે જ કોર્ટે ૨૦૧૮થી પેન્‍ડિંગ પડેલી મૂળ અપીલની સુનાવણી ઝડપી બનાવીને છ મહિનાની અંદર તેનો આખરી નિકાલ લાવવા હાઈકોર્ટને વિનંતી કરી છે.

સુનાવણી દરમિયાન ઘ્‍ગ્‍ત્‍ તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે લાલુ યાદવને ૫૦% સજા પૂરી કરી હોવાના ખોટા આધાર પર હાઈકોર્ટે જામીન આપ્‍યા હતા. CBIની રજૂઆત હતી કે લાલુ યાદવ ઘાસચારા કૌભાંડના અલગ-અલગ કેસોમાં દોષિત ઠર્યા હોવાથી તેમની સજા એકસાથે નહીં પરંતુ એક પછી એક ગણાવી જોઈએ. સીબીઆઈના મતે, આ કાનૂની પદ્ધતિથી લાલુ યાદવે અડધી સજા પૂર્ણ કરી ન હતી અને હાઈકોર્ટે ગણતરીમાં ભૂલ કરી હતી.

સામસામે કાનૂની જંગ ખેલાતા લાલુ યાદવ તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્‍બલે CBIની દલીલોનો મજબૂત પ્રતિકાર કર્યો હતો. સિબ્‍બલે કોર્ટ સમક્ષ સ્‍પષ્ટતા કરી કે સજા એકસાથે ચાલશે કે ક્રમશઃ, તે મુદ્દો મુખ્‍ય અપીલની આખરી સુનાવણી વખતે નક્કી થાય છે.

(3:13 PM IST)