<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મંગલુરુમાં KFC આઉટલેટ સામે ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો

ચિકનની ગુણવત્તા અંગે ગ્રાહકની ફરિયાદ બાદ તંત્ર ત્રાટક્યું : આઉટલેટ બંધ કરાવાયું કર્ણાટકમાં ખાદ્ય સુરક્ષા ઝુંબેશ તેજ : નાની દુકાન હોય કે મોટી બ્રાન્ડ, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

મંગલુરુ : કર્ણાટકના મંગલુરુ શહેરમાં જાણીતી ફાસ્ટ-ફૂડ ચેઈન KFCના એક આઉટલેટ સામે ખાદ્ય સુરક્ષા તંત્રએ આકરી કાર્યવાહી કરતાં ચકચાર મચી છે. ગ્રાહક દ્વારા પીરસવામાં આવેલા ચિકનની ગુણવત્તા અને દુર્ગંધ અંગે ફરિયાદ કરવામાં આવ્યા બાદ ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને નિયમોના પાલન અંગે પ્રશ્નો ઊભા થતાં આઉટલેટને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ ગ્રાહકે KFCના આઉટલેટમાંથી આપવામાં આવેલા ચિકનમાંથી દુર્ગંધ આવતી હોવા સાથે તેની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. ખાદ્ય પદાર્થ લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો હોવાથી ફરિયાદને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

 

તપાસ દરમિયાન આઉટલેટમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આઉટલેટ સામે કાર્યવાહી કરી તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 

આ કાર્યવાહી કર્ણાટકમાં ખાદ્ય સુરક્ષા નિયમોના પાલન માટે ચાલી રહેલી તપાસ અને ઝુંબેશના ભાગરૂપે જોવામાં આવી રહી છે. નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે રેસ્ટોરન્ટ, હોટલ અને વિવિધ ફૂડ આઉટલેટ્સમાં સ્વચ્છતા તથા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓને હાઇજીન અને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકે તેવો ખોરાક પીરસાતો હોવાનું તપાસમાં પુરવાર થશે તો સંબંધિત એકમ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

મોટી અને જાણીતી બ્રાન્ડ હોય કે સ્થાનિક ફૂડ આઉટલેટ—ખાદ્ય સુરક્ષાના નિયમો દરેક માટે સમાન હોવાથી મંગલુરુની આ કાર્યવાહીએ ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાવ્યો છે.

(12:20 PM IST)