તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
બેંગલુરુમાં ફૂટબોલનો રોમાંચ ચરમસીમાએ: FIFA વર્લ્ડ કપની ક્રેઝી સેમિફાઇનલ-ફાઇનલ માટે હોટલ અને રેસ્ટોરન્ટ્સ વહેલી સવારે ૩:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે!
મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની કર્ણાટકના ફૂટબોલ ફેન્સને મોટી ભેટ; નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની વિનંતી બાદ સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય; ફ્રાન્સ વિરૂદ્ધ સ્પેન વચ્ચેના મહામુકાબલા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ

બેંગલુરુ : વિશ્વના સૌથી લોકપ્રિય રમત ઉત્સવ ‘FIFA વર્લ્ડ કપ ૨૦૨૬’ હવે તેના રોમાંચક અને અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ મહાકુંભની સેમિફાઇનલ મેચો શરૂ થાય તે પહેલા જ કર્ણાટકની સરકારે રાજ્યના ફૂટબોલ પ્રેમીઓ માટે એક શાનદાર અને આનંદના સમાચાર આપ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જાહેરાત કરી છે કે, ફૂટબોલ ફેન્સ મોડી રાત્રે પણ કોઈ પણ અડચણ વગર મેચની મજા માણી શકે તે માટે બેંગલુરુ સહીત રાજ્યભરની હોટલો અને રેસ્ટોરન્ટ્સને વહેલી સવારે ૩:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની વિશેષ મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની પ્રથમ હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચ આજે એટલે કે ૧૪ જુલાઈએ બે યુરોપિયન દિગ્ગજો ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાવાની છે. ભારતીય સમય અનુસાર આ બ્લોકબસ્ટર મેચ બુધવારે (૧૫ જુલાઈ) મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યે શરૂ થશે. લાઈવ મેચ સ્ક્રીનીંગના કારણે મોડી રાત સુધી ચાહકો બહાર રહી શકે તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ફેન્સને આપી ગિફ્ટ
મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર પોસ્ટ શેર કરીને આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ફૂટબોલ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે, અને ફિફા વર્લ્ડ કપ એક એવો વૈશ્વિક ઉત્સવ છે જેની રમતપ્રેમીઓ આતુરતાથી રાહ જુએ છે. 'નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (NRAI) ની ખાસ વિનંતીને ધ્યાનમાં રાખીને, અમારી સરકારે બેંગલુરુમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સને ૧૪, ૧૫ (સેમિફાઇનલ્સ) અને ૧૯ જુલાઈ (ફાઇનલ મેચ) ના રોજ મોડી રાત્રે મેચ સ્ક્રીનીંગ અને ભોજન સેવાઓ માટેનો સમય લંબાવી આપ્યો છે. હવે રેસ્ટોરન્ટ્સ રાત્રે ૧:૦૦ વાગ્યાના બદલે સવારે ૩:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે."
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર કડક નજર
જો કે, સરકારે આ છૂટછાટ આપવાની સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા તેમજ સામાન્ય નાગરિકોની સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મોડી રાત્રે ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસનને સજ્જ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે તમામ ફૂટબોલ ચાહકોને અત્યંત જવાબદારીપૂર્વક મેચનો આનંદ માણવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ સુરક્ષા કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે ખાસ અપીલ કરી છે. આ નિર્ણયથી બેંગલુરુના ફૂટબોલ ક્લબો અને કફેઝમાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
