<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ગુજરાતમાં ફૂટબોલ ક્રાંતિ : રાજ્યમાં ૭,૩૬૩ સક્રિય ખેલાડીઓ : જીએસએફએના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષસ્થાને ૪૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

શુભાંગી સિંઘે એએફસી અંડર-૨૦માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું અને ખુશ્બુ સરોજે ટીમમાં સ્થાન મેળવ્યું : આગામી સમયમાં બીચ સોકર અને ફૂટસાલ ટુર્નામેન્ટો વધુ ગતિમાન બનાવવાનો સંકલ્પ

અમદાવાદ : ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા અને વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જીએસએફએ) દ્વારા વ્યાપક સ્તરે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અથાગ મહેનતના પરિણામ સ્વરૂપે જ ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં દેશ અને દુનિયાના નકશા પર ચમકી રહ્યા છે. આ કડીમાં આજે અમદાવાદ ખાતે જીએસએફએની ૪૮મી વાર્ષિક સાધારણ સભા (AGM) જીએસએફએના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આરઆઇએલના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણીના સક્ષમ નેતૃત્ત્વમાં યોજાઈ હતી, જેમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલના માળખાને વધુ સમૃદ્ધ અને લોકાભિમુખ બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં હાલમાં કુલ ૧૮,૩૩૪ ફૂટબોલ ખેલાડીઓ ઓન-રેકોર્ડ રજીસ્ટર્ડ થયેલા છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) અન્વયે હાલમાં રાજ્યમાં કુલ ૭,૩૬૩ જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી ૪,૪૮૩ ખેલાડીઓએ તો વિવિધ સ્તરની મહત્ત્વની ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈને મેદાન ગજવ્યું છે. જીએસએફએના વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, ગુજરાતની દીકરી શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું ગૌરવવંતું સુકાન સંભાળ્યું હતું અને ટીમને ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર જીત પણ અપાવી હતી. આ ઉપરાંત, ખુશ્બુ સરોજે U-17 અને U-20માં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.
મહિલા ખેલાડીઓની સિદ્ધિઓ અહીં જ નથી અટકી, ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ સત્તાવાર પસંદગી કરાઈ હતી અને તેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારત દેશનું મજબૂત પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓની વાત કરીએ તો, વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં સ્થાન મેળવી કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા હતા. એસોસિયેશનના અધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ જીએસએફએની આ અભૂતપૂર્વ પ્રગતિ વિષે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ખેલાડીઓની સાથે સાથે ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ વૈશ્વિક નામના મેળવી રહ્યા છે. જીએસએફએ સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે પ્રતિષ્ઠિત FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જ્યારે વિશાલ વાજા તેમજ રચના કામાણીની ફિફા (FIFA) ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી થઈ છે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સના આયોજન અંગે વિગતો આપતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, “જીએસએફએ દ્વારા વર્ષ ૨૦૨ warm-૨૬ દરમિયાન ઇન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ AIFF અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને ૩૦થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું સફળ આયોજન કરાયું હતું.” જેમાં મુખ્યત્વે ૧૦ જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંતરમાળખાકીય સુવિધાઓના ઝડપી વિકાસ માટે વિવિધ મોટી કંપનીઓ તેમજ સંસ્થાઓ પાસેથી વધુને વધુ સીએસઆર (CSR) ફંડ પ્રાપ્ત થાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
સભાના અંતિમ ચરણમાં જીએસએફએના માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું ડિટેઈલ કેલેન્ડર રજૂ કર્યું હતું અને તમામ સભ્યો સમક્ષ વાર્ષિક ઑડિટેડ હિસાબો રજૂ કર્યા હતા. આ ઉચ્ચ સ્તરીય એજીએમ બેઠકમાં જીએસએફએના ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમજ વિવિધ જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના સત્તાવાર પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ જિલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા કરવાના પ્રસ્તાવ ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના સુચારુ આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગને વ્યાપક સ્તરે વિસ્તારવા અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

(6:20 PM IST)