<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ન્‍યૂયોર્ક -શિકાગો સહિત અમેરિકામાં કાળઝાળ ગરમી પડવાની આગાહી

હિટ ડોમને કારણે કરોડો લોકો પર હિટવેવનો ખતરો, ભેજનું પ્રમાણ ઉંચું રહેતા રાતે પણ ગરમીનો અનુભવ થશે

ન્‍યૂયોર્ક તા.૩૦: યુરોપ બાદ હવે અમેરિકામાં પણ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે, નેશનલ વેધર સર્વિસના જણાવ્‍યા અનુસાર દેશના પૂર્વીય ભાગોમાં ચાલુ સપ્તાહે જ ભીષણ ગરમી અનુભવાશે જેમાં ઓહાયો, નોર્થ કેરોલાઈના, વોશિંગ્‍ટન ડીસીમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધતા અકળામણનો અનુભવ થશે. આ વીકેન્‍ડમાં સાઉથ અને મિડવેસ્‍ટમાં પણ કાળઝાળ ગરમી પડવાની છે. ન્‍યૂયોર્ક સિટી, પિટ્‍સબર્ગ, પેન્‍સિલવેનિયા અને વોશિંગ્‍ટન ડીસીમાં મંગળવાર અથવા બુધવારથી આકરી ગરમીનો અનુભવ થશે.

શિકાગો, ડેટ્રોઈટ, ન્‍યૂયોર્ક, વોશિંગ્‍ટન, સિનસિનાટી, સેન્‍ટ લ્‍યૂઈસ, નેશવિલ, એઠલાન્‍ટા, લિટલ રોક અને ડાલાસમાં દિવસનું તાપમાન ૧૦૦થી ૧૧૦ ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચી જશે. મંગળવારે ન્‍યૂયોર્ક, ન્‍યૂજર્સી સ્‍ટેડિયમમાં રમાનારી ફુટબોલ વર્લ્‍ડકપની મેચ પણ પાંચ વાગ્‍યાથી શરૂ થતી હોવાથી ઓડિયન્‍સની સાથે-સાથે ખેલાડીઓ પણ પરસેવે રેબઝેબ થઈ જશે.

સેન્‍ટ્રલ અને ઈસ્‍ટર્ન યુએસમાં હિટસ્‍ટ્રોકને લીધે બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્‍કેલ થઈ જાય તેટલી ગરમી પડવાની છે. તેમાંય આયોવા, મસૌરી અને કાન્‍સાસ માટે એક્‍સ્‍ટ્રીમ હીટ વોર્નિંગ ઈશ્‍યૂ કરવામાં આવી છે. જુલાઈ ૦૪ બાદ પヘમિી ભાગોમાં પણ એક્‍સ્‍ટ્રીમ હીટની અસર અનુભવાશે જેના કારણે દિવસ દરમિયાન ૧૦૦થી ૧૦૫ ડિગ્રી ફેરનહિટ જેટલી ગરમી પડશે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને લીધે સાંજે પણ ૮૦થી ૯૦ ડિગ્રી ફેરનહિટ ગરમી અનુભવાઈ શકે છે. નેશનલ વેધર સર્વિસનું એવું પણ કહેવું છે કે સૂરજ આથમી ગયા બાદ પણ ગરમીમાંથી રાહત નહીં મળે.

ચાલુ સપ્તાહમાં ડીપ સાઉથથી લઈને ઉત્તરના મિનેસોટા, વિસ્‍કોન્‍સિન અને મિશિગનની સાથે-સાથે ન્‍યૂયોરક અને મિડ-એટલાન્‍ટિકના વિસ્‍તારોને લેવલ-૩થી લઈને લેવલ-૪માં મૂકવામાં આવ્‍યા છે. આવતા અઠવાડિયે પણ મિડવેસ્‍ટ અને ગ્રેટ લેક્‍સમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો થવાની શક્‍યતા નથી. મતલબ કે, આ વિસ્‍તારોમાં રહેતા કરોડો લોકો ગરમીથી સીધા પ્રભાવિત થશે. નેશનલ વેધર એજન્‍સીએ હિટવેવથી બચવા માટે પબ્‍લિકને હાઈડ્રેટ રહેવા અને બપોરના સમયે બની શકે તો બહાર ના નીકળવા માટે જણાવ્‍યું છે. પ્રોપર કૂલિંગ અને હાઈડ્રેશન વિના કોઈને પણ આ ગરમીની ગંભીર અસર થઈ શકે છે અને ખાસ તો હ્યુમિડિટીને કારણે રાતનું તાપમાન પણ ઉંચું રહેવાનું હોવાથી ગરમીથી બચવું જરૂરી છે.

અમેરિકામાં દર વર્ષે ચક્રવાતમાં જેટલા લોકોનાં મોત થાય છે તેના કરતા ગરમીને કારણે થતાં મોતનો આંકડો ઉંચો રહે છે. વેધર સર્વિસના આંકડા અનુસાર, ચક્રવાત, વાવાઝોડાં તેમજ વીજળી પડવાને કારણે કુલ જેટલા લોકોના મોત થાય છે તેનાથી વધુ લોકોને ગરમીને લીધે જીવ ગુમાવવો પડે છે. અમેરિકાના પૂર્વીય ભાગો પર સર્જાયેલા હિટ ડોમને કારણે ગરમ હવા ઉપર જવાને બદલે નીચે રહે છે, જેના કારણે તાપમાન વધીને ૧૦૦ ડિગ્રી ફેરનહિટથી પણ ઉપર જઈ શકે છે. આ દરમિયાન ભેજનું પ્રમાણ વધતા જેટલું તાપમાન હોય તેના કરતા વધારે ગરમીનો અનુભવ થાય છે.

હિટ ડોમ કેટલા દિવસો સુધી રહેશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી, જોકે જુલાઈ ૦૪ના વીકેન્‍ડમાં તે પヘમિ તરફ ખસી શકે છે જેના કારણે કાન્‍સાસ, નેબ્રાસ્‍કા, ઓકલાહોમા, સાઉથ અને નોર્થ ડકોટામાં ગરમી પડશે. જોકે, જુલાઈ ૦૪ પછી ઈલીનોય, મિશિગન, ઓહાયો, પેન્‍સિલવેનિયા, ન્‍યૂયોર્ક, ન્‍યૂજર્સી અને મેસાચ્‍યુસેટ્‍સને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હિટ ડોમની અસર ઓસર્યા બાદ આ સ્‍ટેટ્‍સમાં મહત્તમ તાપમાન ઘટીને ૯૦-૯૪ ડિગ્રી ફેરનહિટ જેટલું થશે

 

(9:47 AM IST)