News of Sunday, 20th September 2026
વિદેશી રોકાણકારો શેરબજારથી નિરાશ: સપ્ટેમ્બરમાં ₹20,974 કરોડ પાછા ખેંચી લીધા
અમેરિકી બોન્ડ યીલ્ડ, મોંઘું ક્રૂડ ઓઇલ અને રૂપિયામાં ઐતિહાસિક ગાબડાંથી FPI રોકાણકારો ઇક્વિટી તેમ જ બોન્ડ માર્કેટમાંથી દુર ભાગ્યા

નવી દિલ્હી: વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા, યુએસમાં ઊંચા વ્યાજ દરો અને બોન્ડ યીલ્ડમાં વધારો, મોંઘા ક્રૂડ ઓઇલ તથા ભારતીય રૂપિયામાં નોંધપાત્ર નબળાઈ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ ફરી એકવાર ભારતીય શેરબજારથી દૂરી બનાવી લીધી છે. જુલાઈ અને ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટી બજારમાં અનુક્રમે ₹20,200 કરોડ અને ₹29,630 કરોડ ઠાલવ્યા બાદ, વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ઇક્વિટીમાંથી ₹20,974 કરોડની ભારે નફા-રૂપી વેચવાલી કરી દીધી છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ (CDSL) ના ડેટા મુજબ, સપ્ટેમ્બરમાં થયેલા આ ઉપાડ સાથે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં FPIs એ ભારતીય શેરબજારમાંથી કુલ ₹2.45 લાખ કરોડ પરત ખેંચી લીધા છે. આ આંકડો વર્ષ 2025 ના સમગ્ર વર્ષ દરમિયાન થયેલા ₹1.66 લાખ કરોડના કુલ ઉપાડ કરતાં પણ વધુ છે. જોકે, આ નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ પ્રાઇમરી અથવા IPO માર્કેટમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.
સપ્ટેમ્બર મહિનામાં FPIs દ્વારા ₹20,974 કરોડની વેચવાલી. વર્ષ 2026 માં કુલ ઉપાડ ₹2.45 લાખ કરોડે પહોંચ્યો. ફુલ એક્સેસ રૂટ (FAR) દ્વારા ₹10,296 કરોડ, વોલન્ટરી રીટેન્શન રૂટ (VRR) દ્વારા ₹1,817 કરોડ અને સામાન્ય રૂટ દ્વારા ₹1,068 કરોડ પરત ખેંચાયા. ડોલર સામે રૂપિયો 1.1% ઘટીને 95.92-95.96 ના રેકોર્ડ નીચા સ્તરે ટ્રેડ થયો અને ₹96 નો આંકડો પણ ઓળંગી ગયો.
બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલને પાર અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો 3.75-4% ના સ્તરે રહેતાં રોકાણકારોમાં ચિંતા વધાઈ.
ઇક્વિટી સિવાય વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડ (ડેટ) માર્કેટમાં પણ વેચવાલીનો માર્ગ અપનાવ્યો છે. FPIs એ ફુલ એક્સેસ રૂટ (FAR) દ્વારા ₹10,296 કરોડ, વોલન્ટરી રીટેન્શન રૂટ (VRR) મારફતે ₹1,817 કરોડ અને સામાન્ય રૂટ દ્વારા ₹1,068 કરોડ પાછા ખેંચી લીધા છે.
ચોઇસ વેલ્થના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઓફિસર ધીરજ ગૌરના જણાવ્યા મુજબ, તાજેતરમાં FPI વેચાણ પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો 3.75-4% ની સપાટીએ હોવાના કારણે ભારત અને યુએસ વચ્ચે વ્યાજ દરનો તફાવત ઘટી ગયો છે, જેનાથી વિદેશી રોકાણકારો માટે ભારતીય એસેટ્સનું આકર્ષણ ઓછું થયું છે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $100 થી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જે ભારતના આયાત બિલ અને ફુગાવા પર દબાણ બનાવી શકે છે.
ભારતીય રૂપિયો પણ નોંધપાત્ર દબાણમાં રહ્યો છે. ગયા અઠવાડિયે રૂપિયો 1.1% તૂટ્યો હતો, જે ચાર મહિનામાં તેનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. રૂપિયો પ્રતિ ડોલર 95.92-95.96 ની ઓલ-ટાઇમ નીચી સપાટીએ ટ્રેડ થયો હતો અને કારોબાર દરમિયાન ₹96 નું સ્તર પણ વટાવી ગયો હતો.
ટ્રેકના સહ-સ્થાપક અને સીઈઓ વેદાંત ગુપ્તેએ સ્પષ્ટતા કરી છે કે સપ્ટેમ્બરમાં FPI વેચાણ મુખ્યત્વે ક્રૂડ ઓઇલ અને ડોલરની સ્થિતિ સાથે જોડાયેલું છે. તેલની કિંમતોમાં વધારો અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળો માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર ઉભરતા બજારોને અસર પહોંચાડી રહ્યો છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
