News of Monday, 18th May 2026
મે મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ. ૨૭,૦૦૦ કરોડ પાછાં ખેંચ્યા
વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો કુલ બાહ્યપ્રવાહ રૂ. ૨.૨ લાખ કરોડની સપાટીએ પહોંચ્યો

નવી દિલ્હી તા.૧૮: વૈશ્વિક બૃહદ આર્થિક અને ભૂરાજકીય પરિબળોને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા વર્તમાન મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂ. ૨૭,૦૪૮ કરોડ પાછાં ખેંચ્યા છે.
આ સાથે જ વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો કુલ બાહ્યપ્રવાહ રૂ. ૨.૨ લાખ કરોડની સપાટીએ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ બાહ્યપ્રવાહ ગત સમગ્ર વર્ષ ૨૦૨૫નાં રૂ. ૧.૬૬ લાખ કરોડનાં બાહ્યપ્રવાહની સપાટી પાર કરી ગયો હોવાનું એનએસડીએલએ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારાની એકમાત્ર ગત ફેબ્રુઆરીમાં ચોખ્ખી લેવાલી રહેતાં ૧૭ મહિનાનો સૌથી વધુ રૂ. ૨૨,૬૧૫ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. તે પૂર્વે જાન્યુઆરીમાં રૂ. ૩૫,૯૬૨ કરોડ, માર્ચમાં રૂ. ૧.૧૭ લાખ કરોડ અને એપ્રિલમાં રૂ. ૬૦,૮૪૭ કરોડનો ચોખ્ખો બાહ્ય પ્રવાહ રહ્યો હતો. તેમ જ વર્તમાન મે મહિનામાં પણ અત્યાર સુધીમાં રૂ. ૨૭,૦૦૦ કરોડનો બાહ્ય પ્રવાહ રહ્યો છે.
એકંદરે વૈશ્વિક પરિબળોને કારણે આર્થિક અનિヘતિતા, ભૂરાજકીય કટોકટી, ક્રૂડતેલના વધતાં ભાવ, ફુગાવામાં વધારાને કારણે ઊભરતી બજારો પર વધુ માઠી અસર પડવાની ભીતિને કારણે તાજેતરમાં વિદેશી રોકાણકારોનો ચોખ્ખો બાહ્યપ્રવાહ જોવા મળી રહ્યો હોવાનું મોર્નિગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના રિસર્ચ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.
ડોલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બોન્ડની યિલ્ડમાં વધારો થવાથી વિકસિત બજારોમાં વધુ વળતર છૂટવાની સાથે સલામતીનું પ્રમાણ વધુ રહેવાથી વેચવાલીનું દબાણ વધુ રહેતું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની સાથે અનિヘતિતા વધવાથી કેન્દ્રવર્તી બેન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી થવાને કારણે પણ રોકાણકારો રોકાણ છૂટા કરી રહ્યા છે.
જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે વિજયકુમારે જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને ચાલુ ખાતાની વધી રહેલી ખાધ રૂપિયા પર વધુ દબાણ લાવી રહી છે. આ વર્ષના આરંભે ડોલર સામે રૂપિયો ૯૦ આસપાસ હતો તેની સામે ગત ૧૫મી મેના રોજ રૂપિયો ૯૬ની સપાટી કુદાવીને ૯૬.૧૪ સુધી પહોંચ્યો હતો. જો આગામી દિવસોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેવાની સાથે ક્રૂડતેલના ભાવ વધતાં રહેશે તો રૂપિયો વધુ નબળો પડશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
