<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

બિનઅધિકૃત રીતે કામ કરતા બહારનાં વિદ્યાર્થીઓ પર કેનેડામાં ખતરાનું જોખમ

અભ્‍યાસ સાથે મંજૂરી વગર નોકરી કરતા વિદ્યાર્થીઓની વર્ક પરમિટ રદ થઈ શકે છેઃ આઈઆરસીસી : કેલગરીની પોર્ટેજ કોલેજમાં ભારતીય સહિત અન્‍ય દેશોના વિદ્યાર્થીઓની વર્ક પરમિટ રદ થતાં હોબાળો

કેલગરી તા.૨૮: ભારતીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ રદ થયાના અહેવાલો બાદ કેનેડિયન ઈમિગ્રેશન વિભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્‍વની સ્‍પષ્ટતા જારી કરી છે. કેનેડામાં અભ્‍યાસ સાથે નોકરી કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કરાયેલી આ સ્‍પષ્ટતા અંતર્ગત ઈમિગ્રેશન, રિફયુજી તથા સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી)એ તેમને રોજગારીને લગતા નિયમોનું ચુસ્‍ત પાલન કરવા જણાવ્‍યું છે. આ સાથે જ બિનઅધિકૃત રીતે કામ કરવા સામે ચેતવણી આપતાં જણાવ્‍યું છે કે, આમ કરવાથી ભવિષ્‍યમાં વર્ક પરમિટ રદ થવાની તથા કેનેડામાંથી હાંકી કાઢવા સહિતની કાર્યવાહી થવાની શક્‍યતા છે.

તાજેતરમાં કેલગરી સ્‍થિત પોર્ટેજ કોલેજ ઓફ કેલગરીમાં અભ્‍યાસ કરતાં કેટલાંક ભારતીય વિદ્યાર્થીઓના વર્ક વિઝા રદ કરતાં તેમણે કોલેજ સામે વિરોધ નોંધાવ્‍યો હતો. કોલેજે તેમને આ મામલે કાનૂની સલાહ લેવાનું સૂચન કર્યું હતું. આ સાથે જ કોલેજે વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે, તે આ મામલે સતત સ્‍પષ્ટતા માગી રહી છે. આ ઘટનાને પગલે આઈઆરસીસીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટને મામલે સ્‍પષ્ટતા જારી કરી છે. કોલેજે પોતાની વેબસાઈટ પર જણાવ્‍યું હતું કે, પોર્ટેજ કોલેજ આ મામલે સતત સ્‍પષ્ટતા માગી રહી છે, અને વિદ્યાર્થીઓને સાચી અને નવી માહિતી ઉપલબ્‍ધ બનાવવા પ્રતિબદ્ધ છે. કોલેજે વધુમાં જણાવ્‍યું હતું કે, કોલેજે આવતા અઠવાડિયે જૂથના પ્રતિનિધિઓ સાથે બેઠકનું પણ આયોજન કર્યું છે.

આઈઆરસીસીએ તેના એક્‍સ હેન્‍ડલ પર આ મામલે જણાવ્‍યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની સ્‍ટડી પરમિટ સાથે સંકળાયેલી ચોક્કસ શરતો પ્રમાણે જ કામ કરવાની મંજૂરી છે. આઈઆરસીસીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, બિનઅધિકૃત રીતે પાર્ટ ટાઈમ માટે કામ કરવું એ પણ ઈમિગ્રેશનના નિયમોનો ભંગ છે. આઈઆરસીસીએ તેના સત્તાવાર પોર્ટલ પર બિનઅધિકૃત રીતે કામ કરવાના પરિણામો તથા દંડાત્‍મક પગલાં સહિતની વિગતો ચકાસવા વિદ્યાર્થીઓને જણાવ્‍યું છે.

 

કોલેજે વિદ્યાર્થીઓને મહત્‍વના દસ્‍તાવેજો જાળવી રાખવા કહ્યું

પોર્ટેજ કોલેજે વિરોધ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં અરજી કરવા સંબંધિત અથવા વર્ક પરમિટ માટે ફેરવિચારણા અથવા અન્‍ય પ્રક્રિયા માટે કેટલાંક અગત્‍યના દસ્‍તાવેજો જાળવી રાખવા જણાવ્‍યું છે. આ દસ્‍તાવેજોમાં, સ્‍ટડી પરમિટ, લેટર ઓફ એક્‍સેપ્‍ટન્‍સ, એનરોલમેન્‍ટ રેકોર્ડ્‍સ, અભ્‍યાસક્રમ પૂર્ણ થયાના દસ્‍તાવેજો, ટ્રાન્‍સક્રિપ્‍ટ્‍સ, પીજીડબલ્‍યુપી એપ્‍લિકેશન્‍સ, આઈઆરસીસી રિફયુઝલ લેટર્સ અને ઓફિસર નોટ્‍સ તથા આઈઆરસીસી સાથે થયેલાં પત્રવહેવારની વિગતોનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે IRCCની સૂચના

આઈઆરસીસીએ કેનેડામાં અભ્‍યાસ સાથે કામ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓને જણાવ્‍યું છે કે, આંતરરાષ્ટ્રીય વિધાર્થી તરીકે કેનેડામાં કામ કરવા માટે સ્‍ટડી પરમિટમાં મંજૂરી હોવી જરૂરી છે. આ ઉપરાંત જો ઓફ કેમ્‍પસ કામ કરવાની મંજૂરી હોય તો, જ્‍યારે અભ્‍યાસના વર્ગો ચાલુ હોય તે દરમિયાન સપ્તાહના માત્ર ૨૪ કલાક જ કામ કરી શકાશે. તેના કરતાં વધુ કલાકો માટે કામ કરવું એ સ્‍ટડી પરમિટની શરતોનું ઉલ્‍લંઘન ગણાશે જેના ગંભીર પરિણામો આવી શકે છે.

(10:27 AM IST)