<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

"૨૦૨૯ ભૂલી જાઓ, કોંગ્રેસ ૨૦૩૪માં પણ સત્તામાં નહીં આવે": ચિરાગ પાસવાનના રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો

દેશમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી અસ્થિરતા સર્જવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી હોવાનો ગંભીર આરોપ: ગઠબંધન હોય કે ન હોય, LJP ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત

પટના:  ચિરાગ પાસવાને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહારો કરતા મોટું રાજકીય નિવેદન આપ્યું છે. દિલ્હી જતા પહેલા પટના ખાતે મીડિયા સાથે વાતચીત કરતા ચિરાગ પાસવાને દાવો કર્યો હતો કે જનતા હવે કોંગ્રેસને સમર્થન આપી રહી નથી અને કોંગ્રેસ આગામી "૨૦૨૯ તો શું, પરંતુ ૨૦૩૪માં પણ સત્તામાં વાપસી નહીં કરી શકે." તેમણે કોંગ્રેસ પર દેશમાં રાજકીય લાભ મેળવવા માટે લોકશાહીનો દુરુપયોગ કરવાનો અને જાણી જોઈને અરાજકતા તથા અસ્થિરતા ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

ચિરાગ પાસવાને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા કોંગ્રેસની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિદેશી શક્તિઓ દ્વારા સમર્થિત શાસન પરિવર્તનની જેમ કોંગ્રેસ પણ ભારતમાં બાંગ્લાદેશ, નેપાળ અને ફ્રાન્સ જેવી અસ્થિર પરિસ્થિતિ સર્જવા માગે છે અને દેશમાં આગ લગાવવાના પ્રયાસો કરી રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચૂંટણી જીતીને સત્તા મેળવવામાં નિષ્ફળ રહેલી મુખ્ય વિપક્ષી પાર્ટી હવે દેશની શાંતિ અને સલામતી સાથે ચેડાં કરી રહી છે, જેને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.

આ દરમિયાન ચિરાગ પાસવાને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે પોતાની પાર્ટીની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેમની પાર્ટી ગઠબંધનમાં રહે કે ન રહે, પરંતુ યુપીમાં ચૂંટણી ચોક્કસપણે લડશે. આગામી રણનીતિના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં 'નવ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવશે અને લખનૌમાં પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાશે. આ સાથે તેમણે સ્વર્ગસ્થ પિતા રામ વિલાસ પાસવાનની જન્મજયંતીને રાજ્ય સમારોહ તરીકે ઉજવવાના નિર્ણયો બદલ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(8:13 PM IST)