તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૬ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
શેખ હસીનાના ભાગી જવાનો વીડિયો વાયરલ કરનાર પૂર્વ એરફોર્સ ઓફિસરનો શંકાસ્પદ મૃતદેહ નદીમાંથી મળ્યો: પરિવારે લગાવ્યો હત્યાનો સનસનાટીભર્યો આરોપ
ઢાકાની તુરાગ નદીમાંથી મળી આવ્યો 28 વર્ષીય કેએમ તહસીફ સૌરીનો મૃતદેહ : "મમ્મી, હું આવું છું" એવો છેલ્લો મેસેજ મોકલ્યા બાદ ફોન બંધ થઈ ગયો હતો, ગુપ્તચરો અને કાવતરાખોરો પર પરિવારે આંગળી ચિંધી

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ઓગસ્ટ 2024માં દેશ છોડીને ભાગી જવાના વીડિયો ફૂટેજ શેર કરનાર પૂર્વ વાયુસેના ફ્લાઇટ લેફ્ટનન્ટ કેએમ તહસીફ સૌરી (28)નો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. ઢાકાના ઉત્તરા વિસ્તાર નજીક આવેલી તુરાગ નદીમાંથી રિવર પોલીસે ૨૮ ઓક્ટોબરના રોજ તેમનો મૃતદેહ કબ્જે કર્યો હતો. આ ઘટના બાદ પૂર્વ અધિકારીના પરિવારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે સૌરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને કાવતરું ઘડીને તેમની નૃશંસ હત્યા કરવામાં આવી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરની સાંજે સૌરીને તેમના જ એક જૂનિયર મિત્રનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે ઘરની નીચે બોલાવવામાં આવ્યો હતો. તે પોતાની માતાને "હું હમણાં જ વાત કરીને આવું છું" તેમ કહીને બહાર ગયો હતો પરંતુ ત્યાર બાદ ક્યારેય પાછો ફર્યો નહોતો. મોડી રાત્રે 1:35 વાગ્યે તેણે માતાના મોબાઈલ પર "મમ્મી, હું આવી રહ્યો છું" એવો વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, પણ તે પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. બીજા દિવસે સવારે નદીમાંથી તેનો મૃતદેહ અને તેની પાસેથી મળેલી ઘડિયાળ તથા ફોનની મદદથી ઓળખ શક્ય બની હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી મળ્યા, પરંતુ નાકમાંથી લોહી વહી રહ્યું હતું.
સૌરીની પિતરાઈ બહેન મોશફેકા જહાંએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા આરોપ લગાવ્યો છે કે શેખ હસીના જ્યારે સૈન્ય વિમાનમાં દેશ છોડી રહ્યા હતા ત્યારનો વીડિયો શેર કરવા બદલ સૌરીને નિશાન બનાવવામાં આવ્યો હતો. વાયુસેનામાંથી બરતરફ કર્યા પછી પણ ગુપ્તચર એજન્સીઓ અને શંકાસ્પદ લોકો સતત તેનો પીછો કરી રહ્યા હતા અને દિવસ-રાત માનસિક ટોર્ચર કરતા હતા. હાલમાં પોલીસે મૃતદેહને શબપરીક્ષણ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે તેમ અધિકારીઓનું કહેવું છે. આ ઘટનાએ બાંગ્લાદેશના રાજકીય માહોલમાં ભારે ચર્ચા અને ઉત્તેજના જગાડી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
