<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

હરિદ્વારથી દિલ્હી જતા રસ્તમા પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની તબિયત બગડી: મુઝફ્ફરનગર પાસે હાઇ બ્લડ પ્રેશરને કારણે કાફલો રોકવો પડ્યો : પ્રાથમિક સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધારો

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની દિલ્હી યાત્રા વચ્ચે બગડી તબિયત : ડોક્ટરોની ટીમે તપાસ કરતા હાલ સ્થિતિ સ્થિર : હાઇ બ્લડ પ્રેશરના કારણે આવી સ્થિતિ સર્જાઈ પરંતુ હવે ભયમુક્ત

નવી દિલ્હી-મુઝફ્ફરનગર તા.૧૭ : ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની તબિયત અચાનક બગડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તેઓ હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે મુઝફ્ફરનગર નજીક તેમને હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદ થતાં સમગ્ર કાફલો વચ્ચે જ રોકવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉમા ભારતી જ્યારે મુઝફ્ફરનગરના માર્ગ પર હતા ત્યારે અચાનક તેમને ચક્કર આવવા અને બેચેની ફરિયાદ શરૂ થઈ હતી. તરત જ સાથે ચાલતા તબીબી સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ તેમની તપાસ કરી હતી. તપાસમાં બ્લડ પ્રેશર વધારે હોવાનું જણાતા કાફલો તાત્કાલિક રોકી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને જરૂરી દવાઓ આપ્યા બાદ ઉમા ભારતીના સ્વાસ્થ્યમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. જો કે ડોક્ટરોની સલાહને પગલે તેમની આગળની દિલ્હીની યાત્રા થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી છે. તેમને આરામ કરવાની સૂચના આપવામાં આવી છે. 

ઉમા ભારતીની તબિયત બગડવાના સમાચાર મળતા જ ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે હાઇ બ્લડ પ્રેશરના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે તેઓ જોખમુક્ત છે.

(3:36 PM IST)