હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રામ મંદિર દાન ચોરી કેસમાં પૂર્વ મહાસચિવ ચંપત રાયની ૩ કલાક આકરી પૂછપરછ : એસઆઈટી સમક્ષ ટિન્નુ યાદવ અંગે કર્યો મોટો ખુલાસો
'હા, એ મારી ભૂલ હતી...' કહીને ચંપત રાયે દેખરેખની જવાબદારી સ્વીકારી પણ ચોરીમાં સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો : કડક સુરક્ષા વચ્ચે નિષ્ફળ ગયેલા મોનિટરિંગ તંત્રને કારણે આરએમઓ અર્જુન દેવ સામે લેવાયાં પગલાં

અયોધ્યા:અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત રીતે ચડાવવામાં આવેલા દાનની ચોરીના ચકચારી મામલામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આ કરોડોના કથિત કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) કક્ષાના ઉચ્ચ અધિકારીની આગેવાની હેઠળની ટીમે ચંપત રાયની ૩ કલાકથી વધુ સમય સુધી ઝીણવટભરી પૂછપરછ કરીને તેમનું સત્તાવાર નિવેદન નોંધ્યું હતું. આ પૂછપરછ દરમિયાન ચંપત રાયે દાન ચોરીના આ આખા ખેલમાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી કે હાથ હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે.
ટિન્નુ યાદવ પર ભરોસો કરવો ભારે પડ્યો, ચોરીની જાણ થતાં જ એક્શન લીધા:
એસઆઈટી સમક્ષ જુબાની આપતા ચંપત રાયે સ્વીકાર્યું હતું કે, "હા, એ મારી ભૂલ હતી કે મેં ભરોસો કર્યો." તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિરમાં ચડાવવામાં આવતા દાનમાં કોઈ હેરાફેરી ન થાય તેની નૈતિક અને વહીવટી જવાબદારી તેમની જ હતી. મુખ્ય આરોપી ટિન્નુ યાદવ ખૂબ લાંબા સમયથી ટ્રસ્ટ અને મંદિરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. તે આ પ્રકારનું ખોટું કૃત્ય કે ચોરી કરશે તેવી ક્યારેય આશા નહોતી. ચંપત રાયે કાયદાકીય કથન આપતા ઉમેર્યું કે, જેવા આ ચોરીના આંકડા અને બાબતો તેમના સંજ્ઞાનમાં આવ્યા કે તુરંત જ તેઓ સક્રિય થઈ ગયા હતા અને તેમના જ આદેશ તેમજ સૂચનાથી શંકાસ્પદ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને એફઆઈઆર (FIR) દાખલ કરાવવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
પરિચિતો અને સગા-સંબંધીઓની ભરતી મુદ્દે તીખા સવાલો પૂછાયા:
તપાસ અધિકારીઓએ પૂછપરછ દરમિયાન ચંપત રાય પર સવાલોનો મારો ચલાવ્યો હતો કે, દાનની દેખરેખ રાખવાની વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી, કર્મચારીઓની જવાબદારી કોની પાસે નક્કી કરાઈ હતી અને ભૂતકાળમાં જો કોઈ આવી ફરિયાદ મળી હતી તો તેનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો હતો? આ ઉપરાંત, સૌથી મહત્વનો સવાલ એ પૂછવામાં આવ્યો હતો કે, ટ્રસ્ટમાં સગા-સંબંધીઓ અને પરિચિતોને કયા આધાર પર આવી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી? તેના જવાબમાં પૂર્વ મહાસચિવે જણાવ્યું કે, માત્ર જરૂરિયાતમંદ લોકોને જ કામ કરવાની તક આપવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયામાં માત્ર તેઓ એકલા જ નહીં, પરંતુ ટ્રસ્ટના અન્ય સભ્યોની પણ સક્રિય ભૂમિકા હતી, જેમાં તેમણે અનિલ અને ગોપાલ રાવનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મોનિટરિંગ તંત્ર ફેલ જતાં આરએમઓ પર ગાજ પડી, હવે અનિલ મિશ્રાની વારો:
અયોધ્યા રામ મંદિર પરિસરમાં અત્યંત ચુસ્ત અને કડક સુરક્ષા હોવા છતાં આ પ્રકારે મોટા પાયે ચડાવવાની ચોરી થવી તે સુરક્ષા અને દેખરેખ રાખનારા મોનિટરિંગ તંત્રની મોટી નાકામી સાબિત કરે છે. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાકીદે પગલાં ભરીને આરએમઓ (RMO) અર્જુન દેવ વિરુદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તપાસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, એસઆઈટીની ટીમ દ્વારા ટ્રસ્ટ સાથે જોડાયેલી અનેક અન્ય વ્યક્તિઓના નિવેદનો ઓલરેડી નોંધી લેવામાં આવ્યા છે અથવા હાલ નોંધાઈ રહ્યા છે, અને આગામી દિવસોમાં પોલીસ હવે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાનું સત્તાવાર નિવેદન નોંધીને તપાસના ચક્રો વધુ ગતિમાન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
