<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી દિવ્યા મિત્તલે રાજકારણમાં પાડ્યું પદાર્પણ: 'જન નીતિ ભારત પાર્ટી' બનાવીને ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

નીતિ નિર્ધારણમાં જનતાને કેન્દ્રસ્થાને રાખીને સરકારને પાંચ વર્ષ સુધી જવાબદાર બનાવવાનો સંકલ્પ: સોશિયલ મીડિયા પર વિડીયો સંદેશ દ્વારા કરી મોટી રાજકીય જાહેરાત

લખનૌ, તા. ૧૫: દેશભરમાં પોતાની ઉત્કૃષ્ટ વહીવટી સેવાઓ માટે જાણીતા બનેલા ભૂતપૂર્વ આઈએએસ (IAS) અધિકારી દિવ્યા મિત્તલે હવે સનદી નોકરી છોડીને સીધા જ જનસેવાના રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. તાજેતરમાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા દિવ્યા મિત્તલે ગુરુવારે પોતાની નવી રાજકીય પાર્ટી 'જન નીતિ ભારત' ની સત્તાવાર જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમણે આગામી ૨૦૨૭ માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર એક વિડીયો સંદેશ જારી કરીને દિવ્યા મિત્તલે પોતાની પાર્ટીના ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની પાર્ટીનું મુખ્ય ફોકસ નીતિ નિર્ધારણ (પૉલિસી મેકિંગ) માં સામાન્ય જનતાને કેન્દ્રસ્થાને રાખવાનું રહેશે. સરકાર માત્ર ચૂંટણીના દિવસે જ નહીં, પરંતુ તેના સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જનતા પ્રત્યે જવાબદાર રહે અને લોકો પોતાની સરકાર પર અંકુશ રાખી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો તેમનો સંકલ્પ છે.

 

પોતાના આ નવા રાજકીય પ્રવાસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું, "અત્યાર સુધી રાજકારણ તમારા પર શાસન કરતું આવ્યું છે, પરંતુ 'જન નીતિ' માં તમે પોતે શાસક બનશો." ઉલ્લેખનીય છે કે દિવ્યા મિત્તલની શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ અત્યંત પ્રભાવશાળી રહી છે. તેઓ આઈઆઈટી (IIT) દિલ્હી અને આઈઆઈએમ (IIM) બેંગલુરુના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમજ વોલ સ્ટ્રીટ પર ટ્રેડર તરીકે પણ સેવા આપી ચૂકા છે. તેમણે ૧૩ વર્ષની શાનદાર સનદી સેવા બાદ ગત ૩૦ ઓગસ્ટે આઈએએસ પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

 

દિવ્યા મિત્તલના આ અચાનક રાજકીય પદાર્પણથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક નવો અને શિક્ષિત ચહેરો મેદાનમાં ઉતર્યો છે. વહીવટી તંત્રનો બહોળો અનુભવ ધરાવતા આ પૂર્વ અધિકારીના નેતૃત્વમાં 'જન નીતિ ભારત' પાર્ટી આગામી ચૂંટણીઓમાં કેવા પ્રકારના સમીકરણો રચે છે અને જનતાનો કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રસપ્રદ રહેશે. આગામી સમયમાં પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો અને ચૂંટણી ઢંઢેરા અંગે વધુ ખુલાસા કરવામાં આવે તેવી શક્યતા છે.

(4:35 PM IST)