<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

BRICS ગાલા ડિનરમાં શાકાહારી ભોજનના વિવાદ વચ્ચે આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિએ કહી મોટી વાત: ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથેનો ૨૦ વર્ષ જૂનો યાદગાર પ્રસંગ શેર કર્યો

નોર્ડિક દેશમાં ૨૦ વર્ષ પહેલાં ડૉ. કલામ માટે યોજાયું હતું શુદ્ધ શાકાહારી સ્ટેટ ડિનર; ઓલાફુર ગ્રિમસને એક્સ (X) પર પોસ્ટ કરી ભારતના વિરોધ પક્ષોના કટાક્ષનો આડકતરી રીતે આપ્યો રોકડિયો જવાબ

નવી દિલ્હી, તા.૧૪: ભારત મંડપમ ખાતે યોજાયેલી BRICS સમિટ 2026 દરમિયાન આયોજિત ભવ્ય ગાલા ડિનરમાં માત્ર શાકાહારી ભોજન (Pure Vegetarian Menu) પીરસવા અંગે દેશમાં વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું નિવેદન સામે આવ્યું છે. આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રેગનાર ગ્રિમસન (Ólafur Ragnar Grímsson) એ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથેના ૨૦૦૫ના એક ઐતિહાસિક પ્રસંગને યાદ કરીને વિવાદ શાંત કરવાનો સચોટ પ્રયાસ કર્યો છે.

 

ઓલાફુર ગ્રિમસન, જેઓ ૧૯૯૬થી ૨૦૧૬ સુધી આઈસલેન્ડના રાષ્ટ્રપતિ રહ્યા હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર પોતાની ખાસ યાદો શેર કરી હતી. વર્ષ ૨૦૦૫માં જ્યારે ડૉ. કલામ કોઈ પણ નોર્ડિક દેશની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે આઈસલેન્ડ પહોંચ્યા હતા, ત્યારે તેમના માનમાં યોજાયેલા સ્ટેટ ડિનરમાં ઓલાફુર ગ્રિમસને સંપૂર્ણપણે શાકાહારી મેન્યૂ રાખ્યું હતું.

 

ગ્રિમસને પોતાની પોસ્ટમાં લખ્યું કે, "જ્યારે મેં ૨૦ વર્ષ પહેલાં ભારતના રાષ્ટ્રપતિ માટે આઈસલેન્ડ જેવા દેશમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું, ત્યારે મેં ઓલ-વેજિટેરિયન મેન્યૂ આપ્યું હતું. બે દાયકા પહેલાં આઈસલેન્ડ જેવા દરિયાઈ દેશમાં સંપૂર્ણ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવી બિલકુલ સરળ નહોતી." તેમનો આ તાર્કિક જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં વિપક્ષ BRICSના મેન્યૂને લઈને સવાલો ઉઠાવી રહ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BRICS દેશોના વડાઓ માટે આયોજિત આ ગાલા ડિનરમાં ખાંડવી, પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક, મિલેટ પુલાવ, મશરૂમ ગલોટી અને કેસર જલેબી જેવી રોયલ શાકાહારી વાનગીઓ પીરસવામાં આવી હતી. જ્યાં એક તરફ રાજકીય કટાક્ષો થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ વિદેશી ડેલિગેટ્સ અને વૈશ્વિક નેતાઓએ ભારતીય સંસ્કૃતિ તથા આ પૌષ્ટિક શાકાહારી સ્વાદની મુક્ત મને પ્રશંસા કરી છે.

(4:46 PM IST)