<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

૧૦૩ કરોડના આઈફોન નિકાસ કૌભાંડમાં પંજાબના પૂર્વ મંત્રી સંજીવ અરોડા સામે ઈડીનો સકંજો: મની લોન્ડરિંગના ગંભીર કેસમાં સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

​દુબઈમાં નિકાસના નામે કાગળ પર ખેલ પાડીને કરોડોનું કાળું નાણું સફેદ કરવાનો પ્રયાસ: ૪૪ હજારથી વધુ મોબાઈલના ખોટા દસ્તાવેજો બનાવીને સરકારને ચૂનો લગાવ્યો હોવાના ગંભીર આરોપો

​બાદશાહપુર (ગુરુગ્રામ): પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોડાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ૧૦૩ કરોડ રૂપિયાના બહુચર્ચિત નકલી આઈફોન નિકાસ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સ્પેશિયલ પીએમએલએ (PMLA) કોર્ટમાં વિધિવત રીતે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડમાં સંજીવ અરોડા મુખ્ય સૂત્રધાર હતા, જેમણે પોતાની રાજકીય અને વહીવટી પકડનો દુરુપયોગ કરીને મોટા પાયે આર્થિક ગેરરીતિ આચરી હતી.

​કાગળ પર આઈફોનનો નિકાસ અને અસલી કાળું નાણું

ઈડીની તપાસ રિપોર્ટ મુજબ, આ આખું કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત રીતે રચવામાં આવ્યું હતું. આરોપીઓએ દુબઈમાં આઈફોન સહિતના મોંઘા મોબાઈલ ફોન નિકાસ કરવાનું માત્ર કાગળ પર જ દર્શાવ્યું હતું. આ માટે શેલ કંપનીઓનો ઉપયોગ કરીને નકલી ખરીદ-વેચાણના બિલો બનાવવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે આ પદ્ધતિથી લગભગ ૪૪ હજાર મોબાઈલ ફોનના ખોટા નિકાસના દસ્તાવેજો તૈયાર કરી સરકાર પાસેથી નાણાકીય લાભ લેવામાં આવ્યા હતા અને તેના દ્વારા ૧૦૩ કરોડ રૂપિયાનું અસલી કાળું નાણું સફેદ કરવાનો પ્રયાસ થયો હતો.

​ગેરકાયદેસર નેટવર્કનો થયો પર્દાફાશ

તપાસ દરમિયાન ઈડીને જાણવા મળ્યું છે કે આ સમગ્ર નેટવર્કમાં અનેક કંપનીઓ અને ડમી વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શેલ કંપનીઓના માધ્યમથી થતા નાણાકીય વ્યવહારોને કાયદેસરની વેપારી આવક તરીકે દર્શાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઈડીએ અગાઉ આ મામલે અનેક સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને આર્થિક લેવડ-દેવડના પુરાવા એકત્રિત કર્યા હતા.

​૯ મેના રોજ ધરપકડ બાદ જેલ હવાલે

ઈડીએ આ કેસમાં કડક કાર્યવાહી કરતા ગત ૯ મેના રોજ પૂર્વ મંત્રી સંજીવ અરોડાની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને સાત દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મળેલી વિગતોના આધારે જ આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૮ મેના રોજ અરોડાએ પોતાના વકીલ મારફતે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હાલમાં આ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીને પગલે રાજકીય અને વ્યાપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

(1:00 PM IST)