તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ભૂતપૂર્વ શિવ સૈનિક સાંસદના પરિવાર પર વહુનો ગંભીર આરોપ: ગોબરનું સેવન, વાળ કાપવા અને અઘોરી વિધિ કરાવ્યાનો દાવો
થાણેમાં પૂર્વ સાંસદ વિનાયક રાઉત, પુત્ર અને તાંત્રિકો સામે ફરિયાદ નોંધાતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ: વિવાદાસ્પદ ધાર્મિક વિધિઓ અને માનસિક ત્રાસ મામલે પોલીસ તપાસ તેજ

થાણે: મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શિવસેના (યુબીટી)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના પરિવારના સભ્યો સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીડિત વહુ ગિરિજા રાઉતે પોતાના પતિ અને સાસરિયાઓ પર લગ્ન બાદ સતત શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવાનો તેમજ અંધશ્રદ્ધાના નામે અમાનવીય કૃત્યો કરાવવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ગિરિજા રાઉતની ફરિયાદ અનુસાર, ૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ તેમના લગ્ન પૂર્વ સાંસદના પુત્ર ગિતેશ રાઉત સાથે થયા હતા. લગ્ન પહેલાં જ પરિવાર દ્વારા મિલકતો અને સુવિધાઓ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી, જેનો ભોગ ગિરિજા બન્યા હતા. લગ્ન બાદ તેમને પતિના વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની આર્થિક સ્વતંત્રતા વિના કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા.
અંધશ્રદ્ધા અને અઘોરી વિધિનો આક્ષેપ
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, પતિ ગિતેશની શારીરિક અસમર્થતાને કારણે લગ્નજીવનમાં તણાવ હતો, પરંતુ આ સમસ્યાના સમાધાન માટે સાસરિયાંઓ તેમને કોંકણ વિસ્તારમાં અનેક કહેવાતા તાંત્રિકો અને ગોરખધંધા કરતા લોકો પાસે લઈ જતા હતા. આ દરમિયાન તેમની સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. ગિરિજાએ દાવો કર્યો છે કે, તેમને અઘોરી વિધિના ભાગરૂપે ગાયના છાણનું સેવન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, સાથે જ તેમના માથાના વાળ કાપીને તાંત્રિક વિધિઓમાં તેનો ઉપયોગ કરાયો હતો. આ સિવાય તેમને ગર્ભધારણ કરવા માટે દબાણપૂર્વક દવાઓ આપવામાં આવતી હતી, જેની તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી હતી.
પરિવારનો બચાવ: આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
બીજી તરફ, ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉતે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ ફરિયાદ માત્ર તેમના પુત્ર અને વહુ વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસ અને આલીશાન પ્રોપર્ટી તથા ભરણપોષણની મોટી માંગણીઓનું પરિણામ છે. રાઉતના મતે, વહુએ પંચકરોડ અને ત્યારબાદ કરોડો રૂપિયાના ભરણપોષણની માંગણી કરી હતી, જે પૂરી ન થતા હવે બદલો લેવાની ભાવનાથી ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે.
પોલીસ કાર્યવાહી
આ મામલે થાણેના કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં વિનાયક રાઉત, તેમના પત્ની શામલ રાઉત, પુત્ર ગિતેશ રાઉત અને બે તાંત્રિકો સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રના 'અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાળી જાદુ વિરોધી કાયદા' તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો દોર શરૂ કર્યો છે. હાલમાં બંને પક્ષો દ્વારા સામ-સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
