તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના નિવેદન પર સંગ્રામ: ભાજપ-VHP અને મુસ્લિમ ધર્મગુરુઓ સામસામે : રાજકીય વાતાવરણ ગરમાયું
હામિદ અન્સારીએ બંધારણ નિષ્ણાત એ.જી. નૂરાનીના પુસ્તકના આધારે નહેરુના જૂના નિવેદનને ટાંકીને હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતા સામે સવાલ ઉઠાવતા જ દેશના રાજકારણમાં નવો વિવાદ છેડાઈ ગયો

નવી દિલ્હી : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના એક તાજેતરના વિવાદાસ્પદ નિવેદને દેશના રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટો વંટોળ ઊભો કર્યો છે. નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત ત્રીજા એ.જી. નૂરાની મેમોરિયલ લેક્ચરમાં વક્તવ્ય આપતી વખતે, અન્સારીએ સ્વર્ગસ્થ બંધારણ નિષ્ણાત અને લેખકના ૨૦૧૯ના પુસ્તક *"ધ આરએસએસ: અ મેનેસ ટુ ઈન્ડિયા"*નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તત્કાલીન વિદેશ સચિવ ગુંદેવિયાના રેકોર્ડ્સમાંથી પંડિત જવાહરલાલ નહેરુનું એક જૂનું નિવેદન ટાંકીને કહ્યું કે, "ભારત માટે વાસ્તવિક ખતરો સામ્યવાદ નથી, પરંતુ હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતા છે". આ ઉપરાંત તેમણે વર્તમાન સમયમાં ‘નાગરિક રાષ્ટ્રવાદ’ સ્થાને ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ ના ઉભરી રહેલા વલણો સામે ચિંતા વ્યક્ત કરી હતી, જે ચૂંટણીલક્ષી બહુમતીને ધાર્મિક બહુમતી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે.
અન્સારીની આ ટિપ્પણી સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે અન્સારીને પોતાના જાહેર જીવન પર ચિંતન કરવાની સલાહ આપતા કહ્યું કે દેશના બહુમતી સમાજને ખતરો ગણાવતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ. બંસલે આરોપ લગાવ્યો કે વાસ્તવિક ખતરો બહુમતી હિન્દુ સમાજથી નથી, પરંતુ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા અને સમાજમાં બહુમતી-લઘુમતીના વિભાજનનું ઝેર ઘોળનારા લોકોથી છે. બીજી તરફ, ભાજપ નેતા શાહનવાઝ હુસૈન, મુખ્તાર અબ્બાસ નકવી અને કરુણાસાગરે આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી માફીની માંગ કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે જો મુદ્દો કટ્ટરવાદનો જ હોય તો ડાબેરી ઉગ્રવાદ અને ઈસ્લામિક આતંકવાદ પર પણ એટલી જ સ્પષ્ટતાથી બોલવું જોઈએ.
આ વિવાદમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાસક પક્ષ સિવાય મુસ્લિમ ધર્મગુરુઓ પણ અન્સારીના નિવેદનની વિરુદ્ધમાં આવ્યા. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઉમર અહેમદ ઈલ્યાસીએ અન્સારીની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે આવા નિવેદનો મુસ્લિમોને ઉશ્કેરવા અને સામાજિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ છે. ઈલ્યાસીએ ઉમેર્યું કે અન્સારીએ RSS વડા મોહન ભાગવતના એ સકારાત્મક નિવેદનોનું પણ સમર્થન કરવું જોઈએ જેમાં તેમણે તમામ ભારતીયોનો ડીએનએ એક હોવાની વાત કરી હતી. આમ, એક ઐતિહાસિક સંદર્ભને રજૂ કરીને શરૂ થયેલું આ ભાષણ હવે વર્તમાન ભારતીય રાજકારણ અને સામાજિક સૌહાર્દ પર એક મોટો ચર્ચાનો વિષય બની ગયું છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
