News of Sunday, 6th September 2026
રાજકોટના પડધરીના દહીંસરડા ગામે ચેકડેમમાં નાહવા પડેલા ભાણેજ સહિત ચાર બાળકોના ડૂબી જવાથી કરુણ મોત : સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ
પાટવાળા હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં સર્જાયેલી હોનારત : ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહમત બાદ મોડી રાત્રે ચોથા બાળકનો પણ મૃતદેહ રિકવર કર્યો : મૃતકોમાં દહીંસરડા, ધ્રોલ અને રાજકોટના માસુમોનો સમાવેશ

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ : પડધરી તાલુકાના દહીંસરડા (આજી) ગામે પાટવાળા હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં નાહવા પડેલા ભાણેજ સહિત ચાર બાળકો ઊંડા પાણીમાં ડૂબી જતાં ચારેયના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક બનાવને પગલે દહીંસરડા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મોડી રાત્રે ચોથા બાળકનો મૃતદેહ રિકવર કરાયો:
ઘટના અંગે સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી શોધખોળ હાથ ધરીને પ્રાથમિક તબક્કે ત્રણ બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે ગુમ થયેલા ચોથા બાળકની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી, જેનો મૃતદેહ પણ મોડી રાત્રે મળી આવ્યો હતો.
મૃતક બાળકોની વિગત:
આ કરૂણ દુર્ઘટનામાં કાળનો કોળિયો બનેલા બાળકોમાં દીપ ગંગારામભાઈ રાજપરા (રહે. દહીંસરડા), ૧૪ વર્ષીય ધ્યેય મનીષભાઈ ધમાસણા (રહે. દહીંસરડા), ૧૫ વર્ષીય વંશીત વિજયભાઈ ખંભાયતા (રહે. ધ્રોલ) અને ૧૨ વર્ષીય વાસુ યોગેશભાઈ સવસાણી (રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. ઘટનાના પગલે પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
