તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ગ્રાહકો સાથે છેતરપિંડી? ફૂડ રેગ્યુલેટર FSSAIની મોટી કાર્યવાહી, લોટે ઇન્ડિયા, ફર્ન્સ એન પેટલ્સ અને કુબેરા ફૂડ્સને ફટકારી નોટિસ
પ્રોડક્ટ્સ પર '૧૦૦% વેજિટેરિયન' અને '૧૦૦% નેચરલ' જેવા ભ્રામક દાવા કરવા બદલ ૭ દિવસમાં જવાબ માંગ્યો; નિયમોનું ઉલ્લંઘન બદલ કડક કાનૂની પગલાં લેવાની ચેતવણી

નવી દિલ્હી : ભારતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તેની સલામતી પર નજર રાખતી સરકારી સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ દેશની જાણીતી બ્રાન્ડ્સ સામે લાલ આંખ કરી છે. બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે પ્રોડક્ટ્સના પેકિંગ પર ખોટા અને ભ્રામક દાવા કરવા તેમજ લેબલિંગના નિયમોનો ભંગ કરવા બદલ રેગ્યુલેટરે લોટે ઇન્ડિયા (Lotte India), ફર્ન્સ એન પેટલ્સ (Ferns N Petals) અને કુબેરા ફૂડ્સ (Kubera Foods) ને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ તમામ કંપનીઓને આગામી ૭ દિવસની અંદર સ્પષ્ટીકરણ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો ફૂડ સેફ્ટી એક્ટ, ૨૦૦૬ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ રેગ્યુલેટર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર માહિતી શેર કરવામાં આવી છે, જે મુજબ આ ત્રણેય મોટી બ્રાન્ડ્સની જાણીતી પ્રોડક્ટ્સમાં ગંભીર ખામીઓ અને ગેરમાર્ગે દોરતી વિગતો જોવા મળી છે:
૧. લોટે ઇન્ડિયા (Lotte India): કંપની તેની પ્રખ્યાત 'ચોકો પાઇ' (Choco Pie) ના કેટલાક વેરિઅન્ટ્સ પર '૧૦૦ ટકા શાકાહારી' (100% Vegetarian) હોવાનો દાવો કરે છે, જેને FSSAI એ ભ્રામક ગણાવ્યો છે. આ ઉપરાંત, કંપનીની ફ્રુટ્ઝ એકલેયર્સ (FRUITZ Eclairs) ચોકલેટમાં કોઈ ફળ ન હોવા છતાં તેનું નામ એવું રાખવામાં આવ્યું છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. કંપની સરકારી મંજૂરી વિના જૂના નામવાળા લેબલ વાપરી રહી હતી અને બિસ્કિટ તેમજ લોલીપોપમાં ન્યુટ્રિશનલ માહિતી અને વિટામિનના સ્તરો નિયમો મુજબ ન હોવાનું પણ સામે આવ્યું છે.
૨. કુબેરા ફૂડ્સ (Kubera Foods): આ કંપનીની 'સોફ્ટ એન્ડ ફ્રેશ ક્રીમ બન પાઈનેપલ' પ્રોડક્ટના પેકિંગ પર આગળના ભાગે '૧૦0% નેચરલ' અને 'નો પ્રિઝર્વેટિવ્સ, કલર્સ એન્ડ ફ્લેવર્સ' જેવા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેના પાછળના લેબલની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં પ્રિઝર્વેટિવ (INS 282), સિન્થેટિક ફૂડ કલર (INS 110) અને ફ્લેવરિંગ એજન્ટ્સનો ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટ જાહેર કરાયું હતું. આમ, કંપનીના પેકિંગ પરના દાવા અને અંદરની સામગ્રી વચ્ચે મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે.
૩. ફર્ન્સ એન પેટલ્સ (FNP): આ પ્રખ્યાત બ્રાન્ડ દ્વારા વેચવામાં આવતી 'રોસ્ટેડ આલમંડ ચોકલેટ' ને પેકિંગ પર 'પ્રીમિયમ ચોકલેટ' તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવમાં આ ચોકલેટમાં હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ફેટ (વનસ્પતિ ઘી) નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે અંગેનું ફરજિયાત ડિક્લેરેશન પેક પર ગાયબ છે. વળી, બદામની પ્રોડક્ટ હોવા છતાં તેમાં કેટલા ટકા બદામ વાપરવામાં આવી છે તેની કોઈ વિગત સામગ્રીની યાદીમાં આપવામાં આવી નથી.
FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને બજારમાં પારદર્શિતા જાળવી રાખવાના હેતુથી કરવામાં આવી છે. કોઈપણ કંપનીને ગ્રાહકોની પસંદગીને પ્રભાવિત કરવા માટે ખોટી બ્રાન્ડિંગ કે ભ્રામક માહિતી આપવાની છૂટ આપી શકાય નહીં. આગામી સમયમાં આવી અન્ય કંપનીઓ પર પણ ત્રાટકવાની રેગ્યુલેટરે તૈયારી બતાવી છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
