<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્‍લાની છેઃ પૂ.મોરારીબાપુ

‘માનસ ભારત સ્‍વસ્‍તિક યાત્રા સોપાન-ર' અંતર્ગત ઉજ્જૈનમાં શ્રીરામકથાનું ગાન

રાજકોટ, તા. ૧૮: ‘માનસ ભારત સ્‍વસ્‍તિક યાત્રા' (સોપાન-ર) ગઇકાલે મહાકાલ મહાદેવની ઉજ્જૈન નગરીમાં પ્રવેશી હતી. કવિ કાલીદાસ અને ભતૃહરિ (ભરથરી)ની પરમ પાવન ધરતી પર સાંદિપની ઋષિનો આશ્રમ પણ છે જયાં ભગવાન શ્રી કૃષ્‍ણ અને સુદામા ભણ્‍યા હતા.

રામકથાનો સ્‍નેહમય સંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે - આ મહાકાલ - મહાદેવની નગરી મને વિશેષ પ્રિય છે. આ ભૂમિ પર કેટકેટલા સ્‍વસ્‍તિક રચાયા છે. મહાદેવ પાસે ચાર વસ્‍તુઓ છે તે સ્‍વસ્‍તિક છે. ભસ્‍મ, ભિક્ષા, ભૂજંગ અને ભૂત એ મહાકાલનું સ્‍વસ્‍તિક છે. જો કે લૌકિક દ્રષ્‍ટિએ ઉપરથી આ ચારેય અમંગલ ગણાય - મનાય છે. પણ શંકરના દેહ પર એ મંગલમય ગણાય છે. મહાદેવ તો સ્‍મશાનની ભસ્‍મ શરીર પર લગાડે તો એ એનો શણગાર બની જાય છે. મહાદેવ તો ભિક્ષાધારી છે, ભિક્ષા માંગે છે. અમારે વિરપુર-જલારામ બાપાની વાત જાણીતી છે, વિશ્વ પ્રસિધ્‍ધ છે કે, રોટલાની ભિક્ષા તો કોઇ પણ આપે પણ રોટલો ઘડનાર વીરબાઇની ભિક્ષા જલારામ બાપા આપે, જેનો હરિપર અખંડ પ્રેમ હોય એની પરીક્ષા ન લેવાય અને હરિ પણ એની પરીક્ષા કરે તો એ નાપાસ થાય અને સંત પાસ થાય છે!

એક બીજું સ્‍વસ્‍તિક તલગાજરડાને દેખાય છે એ એછે કે અહિં ક્ષિપ્રા (સીપ્રા) નદી તીર્થ છે. ત્રિભુવન તો છે જ, સ્‍વસ્‍તિકની ત્રીજી રેખા અહીં તંત્ર સાધના પણ છે. ભૈરવનાથ છે. જો કે તંત્ર વિશે મને વિશેષ રૂચિ નહીં પણ તંત્રવિદ્યા છે. અને સ્‍વસ્‍તિકની ચોથી રેખા એ કે આ ધર્મસ્‍થાનનો વિકાસ સરસ થઇ રહયો છે એને માટે તંત્ર એટલે કે સરકારી તંત્ર અભિનંદન  ને પાત્ર છે તીર્થોના વિકાસ માટે તંત્રના શુભ આયામો કર્મશીલ રહે એ ખૂબ જરૂરી છે. જો આ ભૂમિ પર મને આ સ્‍વસ્‍તિકમય ચાર રેખાઓ જોવા મળે છે. અન્‍ય એક સ્‍વસ્‍તિક મને માનસમાં દૃષ્‍ટિપાત કરૂ તો દેખાય છે એ રામ,ભરત,લક્ષ્મણ, શત્રુઘ્‍ન એ પણ રામાયણ-માનસનું સ્‍વસ્‍તિક છે.

ઉજજૈનમાં આયોજીત શ્રી રામકથામાં મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો. મોહન યાદવ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.(મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)(૨.૧૬)

ઉજ્જૈનમાં સિંહસ્‍થ કુંભમેળાની શરૂઆત આજથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગે છેઃ ડો. મોહન યાદવ

રાજકોટ તા.૧૮: ઉજજૈનની રામકથામાં મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો. મોહન યાદવ ઉપસ્‍થિત રહ્યાં હતા અને એમણે પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરતા કહ્યું હતું કે પૂ.મોરારીબાપુની રામકથા આજે એક દિવસ યોજાઈ છે તો મને લાગે છે કે ૨૦૨૮ માં ઉજ્જૈનમાં સિંહસ્‍થ કુંભમેળો યોજાવાનો છે એની શરૂઆત આજથી જ શરૂ થઈ ગઈ છે.. બાપુએ પણ રાજપીઠ આજે વ્‍યાસપીઠ પાસે આવી છે એની પ્રસન્નતા પ્રગટ કરી ને મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કર્યું હતું.મુખ્‍યમંત્રીશ્રી એ વ્‍યાસપીઠ અને બાપુની ભાવ વંદના કરી આશીર્વાદ મેળવ્‍યા હતાં.(૨.૧૬)

કથારત્‍નો

(૧) ઉજ્જૈનમાં રામકથા કરવા માટે આ જગ્‍યા એક મુસ્‍લીમે આપી છે. (ર) ૨૦૨૮માં ઉજ્જૈનમાં સિંહસ્‍થ કુંભમેળો છે ત્‍યારે પણ પોથી લઇને આવીશ અને ‘‘માનસ મહાદેવ'' રામકથાનું ગાન કરીશું. (૩) સનાતન ધર્મના મૂળ અક્ષુણ-અખંડ રાખજો બાપ!.

(3:30 PM IST)