<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

રાહુલ ગાંધીના અંગત સચિવ તરીકે ઓળખ આપીને ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી : હરિયાણામાં ગઠીયો કળા કરી ગયો

ચંડીગઢમાં ઉત્તરાખંડ કોંગ્રેસનો તાલીમ કાર્યક્રમ માત્ર હોટલ અને અન્ય વ્ય્વસ્થા માટે સહાય માંગી : તપાસ કરતા માલુમ પડ્યું કે આવો કોઈ કાર્યક્રમ હતો જ નહીં

હરિયાણાના કુરુક્ષેત્રમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના અંગત સચિવ તરીકે ઓળખ આપીને ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ રાહુલ ગાંધીના અંગત સચિવ કનિષ્ક સિંહ તરીકે પોતાનો પરિચય આપીને વોટ્સએપ કોલ કર્યો અને પાર્ટી તાલીમ કાર્યક્રમની આડમાં પૈસા પડાવ્યા હતા 

પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી સભ્ય સંજીવને ૨૪ જાન્યુઆરીએ વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે દાવો કર્યો હતો કે ચંદીગઢમાં ઉત્તરાખંડ કોંગ્રેસનો તાલીમ કાર્યક્રમ યોજાશે, જેમાં ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. તેણે સંજીવ પાસે હોટલ અને અન્ય વ્યવસ્થા માટે નાણાકીય સહાય માંગી અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકોનું આયોજન કરવાનું વચન પણ આપ્યું. .

કોલ પર આધાર રાખીને, સંજીવ અને અન્ય કોંગ્રેસ નેતા પવન શર્માએ ૫-૫ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. તે રાત્રે, લગભગ ૧૧ વાગ્યાના સુમારે, ફોન કરનારે તેમને ચંદીગઢની એક હોટલના પાર્કિંગમાં લઈ ગયા, જ્યાં તેમણે 'દીપક' નામના વ્યક્તિને ૧૦ લાખ રૂપિયા આપ્યા. સંજીવે પૈસા આપતા પહેલા તેનો ફોટો પણ લીધો. બીજા દિવસે, આરોપીએ ફરીથી 5 લાખ રૂપિયાની માંગણી કરી. જ્યારે સંજીવે ના પાડી, ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. બાદમાં પાર્ટીના અધિકારીઓ સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું કે આવો કોઈ તાલીમ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો ન હતો.

સંજીવએ પોલીસને જણાવ્યું કે તેણે શરમને કારણે તાત્કાલિક તેની જાણ કરી નથી. જો કે, વોટ્સએપ દ્વારા સમાન છેતરપિંડી અને ઉત્તરાખંડ પોલીસની કાર્યવાહી વિશે જાણ્યા પછી, તેણે ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(11:39 PM IST)