તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
'ડિજિટલ અરેસ્ટ'ના નામે છેતરપિંડી કરનારાઓ પર મોટી સ્ટ્રાઈક: દેશમાં 9,400 થી વધુ WhatsApp એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
દિલ્હી પોલીસ અને CBI ના નામે લોકોને લૂંટતી ગેંગના નેટવર્કનો પર્દાફાશ: દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી ચાલતું હતું કૌભાંડ, સાયબર ઠગોથી બચવા વોટ્સએપ હવે આપશે ખાસ સેફ્ટી એલર્ટ

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ' ના નામે નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ એક મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીમાં આવા ફ્રોડ સાથે સંકળાયેલા 9,400 થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દેવામાં આવ્યા છે.
કઈ રીતે ચાલતું હતું આ કૌભાંડ?
સાયબર ઠગો વોટ્સએપ પર પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં 'દિલ્હી પોલીસ', 'મુંબઈ હેડક્વાર્ટર', 'CBI' અથવા 'ATS ડિપાર્ટમેન્ટ' ના લોગો અને નામનો ઉપયોગ કરતા હતા. તેઓ પીડિતોને વિડિયો કોલ કરીને એવું કહેતા કે તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે અને તેમને 'ડિજિટલ અરેસ્ટ' કરવામાં આવ્યા છે. ડરના માર્યા લોકો પોલીસ કે તપાસ એજન્સીના ડરથી લાખો રૂપિયા આ ઠગોને ટ્રાન્સફર કરી દેતા હતા.
વિદેશથી ચાલતું હતું નેટવર્ક
વોટ્સએપની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે આમાંના મોટાભાગના ફ્રોડ એકાઉન્ટ્સ ભારતની બહાર, ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા. ભારત સરકારની સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), આઈટી મંત્રાલય અને ટેલિકોમ વિભાગના સહયોગથી આ નેટવર્કને તોડી પાડવા માટે વોટ્સએપે મોટી કાર્યવાહી કરી છે. અગાઉ એજન્સીઓએ 3,800 એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા હતા, પરંતુ ઊંડી તપાસ બાદ આ આંકડો 9,400 ને પાર કરી ગયો છે.
વોટ્સએપ લાવશે નવા સુરક્ષા ફીચર્સ
સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ યુઝર્સની સુરક્ષા માટે નવા ફીચર્સ લાવી રહ્યા છે:
• સસ્પેક્ટ એલર્ટ: અજાણ્યા નંબર પરથી મેસેજ આવે ત્યારે શંકાસ્પદ હોવાનું એલર્ટ મળશે.
• એકાઉન્ટ હિસ્ટ્રી: યુઝર્સ જોઈ શકશે કે સામેવાળું એકાઉન્ટ ક્યારે બનાવવામાં આવ્યું છે, જેથી તેની અધિકૃતતા ચકાસી શકાય.
• ઓટોમેટિક ફોટો હાઈડ: જો કોઈ ચેટ જોખમી લાગશે, તો વોટ્સએપ ઓટોમેટિકલી પ્રોફાઈલ ફોટો છુપાવી દેશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે અને સરકારને આ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સામે વધુ કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. નાગરિકોને પણ સલાહ આપવામાં આવી છે કે પોલીસ ક્યારેય 'ડિજિટલ અરેસ્ટ' જેવી પ્રક્રિયા ઓનલાઈન કરતી નથી, તેથી આવા કોલથી ગભરાયા વગર તુરંત સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
