તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
દ્વારકામાં અનંત અંબાણીની શુભપ્રેરણાથી યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદીનો શુભારંભ : દ્વારકાધીશના શ્રદ્ધાળુઓ માટે દિવ્ય સેવાયજ્ઞ શરૂ
રિલાયન્સ ફાઉન્ડેશન અને શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ ના સંયુક્ત ઉપક્રમે દૈનિક ૪,૦૦૦ યાત્રિકો શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશે

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં જગતગુરુ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે એક અત્યંત સરાહનીય અને દિવ્ય સેવાકાર્યનો પ્રારંભ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણા અને સંકલ્પથી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક અનુદાનથી દ્વારકા ખાતે વિનામૂલ્યે ભોજન પ્રસાદાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા પ્રકલ્પનું સંચાલન શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના કુશળ નેતૃત્વ હેઠળ કરવામાં આવશે.
દરરોજ ૪,૦૦૦ યાત્રિકો લેશે વિનામૂલ્યે મહાપ્રસાદનો લાભ:
તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૬થી શરૂ થયેલા આ યાત્રિક ભોજન પ્રસાદાલયમાં દરરોજ અંદાજે ૪,૦૦૦ જેટલા યાત્રિકો વિનામૂલ્યે શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે. રિલાયન્સ ફાઉન્ડેશનની અવિરત સેવાભાવના અને આર્થિક સહયોગથી ધબકતી થયેલી આ દિવ્ય પહેલ દ્વારકાધામની ધાર્મિક આસ્થા સાથે યાત્રીસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
‘અતિથિ દેવો ભવ:’ અને ‘સેવા એ જ પરમ ધર્મ’ની ભાવના ચરિતાર્થ:
અનંત અંબાણીની સમર્પિત સેવા ભાવના થકી દ્વારકાધામમાં આવતા પ્રત્યેક શ્રદ્ધાળુને માત્ર ભોજન જ નહીં, પરંતુ દિવ્ય આત્મીયતા અને સન્માનનો અનુભવ થાય તે આ પ્રસાદાલયનો મુખ્ય હેતુ છે. દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન રહે તે માટે અહીં પીરસવામાં આવતું ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નહીં, પરંતુ "અતિથિ દેવો ભવ:"ની સનાતન સંસ્કૃતિને ચરિતાર્થ કરવાનો પ્રયાસ છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ ના આ સંયુક્ત પ્રયાસોથી દ્વારકાધામની યાત્રા વધુ સુખદ, સાત્ત્વિક અને સ્મરણીય બની રહેશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
