<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ન્યાયતંત્ર જેવી પવિત્ર સંસ્થાને ડરાવવાનું કવચ ન બની શકે: સુપ્રીમ કોર્ટની લાલઆંખ વચ્ચે કેરળ કોંગ્રેસને કારણ દર્શાવો નોટિસ

ચીફ જસ્ટિસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવાના મામલાને સુપ્રીમ કોર્ટે લીધો ગંભીરતાથી, ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ભાર મૂકતા કડક અવલોકનો

નવી દિલ્હી, તા.૦૬: ન્યાયતંત્રની સ્વતંત્રતા અને તેની ગરિમાને ઠેસ પહોંચાડતા ગંભીર મામલામાં સુપ્રીમ કોર્ટે કડક રૂખ અપનાવતા કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ અને તમામ પદાધિકારીઓને 'શો-કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે, જેમાં પાર્ટીના સત્તાવાર એક્સ (ટ્વિટર) હેન્ડલ પરથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્ય કાંતને નિશાન બનાવીને કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ બદલ કેમ ફોજદારી કે દીવાની અવમાનનાની કાર્યવાહી ન શરૂ કરવી તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલાની સુનાવણી દરમિયાન અત્યંત કડક શબ્દોમાં અવલોકન કર્યું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ કોઈ રાજકીય અનુકૂળતાનો વિષય નથી, અને ભલે ગમે તેવી શક્તિશાળી વ્યક્તિ કે સંસ્થા હોય પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ન્યાયતંત્ર જેવી સર્વોચ્ચ સંસ્થાને ડરાવવા કે ધમકાવવાના પ્રયાસો ક્યારેય સહન કરી શકાય નહીં.

ઘટનાની પૃષ્ઠભૂમિ અંગે અદાલતમાં રજૂ થયેલી વિગતો મુજબ, ગત ૧૨ ઓક્ટોબરના રોજ કેરળ કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી CJI સૂર્ય કાંતને સંબોધીને એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થા અંગેની ટિપ્પણીને ટાંકીને સીધા રાજીનામાની માંગણી કરવામાં આવી હતી અને આ પોસ્ટ વ્યાપક વિવાદમાં સપડાયા બાદ ભારે ટીકાઓ થઈ હતી.

જોકે વિવાદ વધ્યા બાદ કેરળ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સની જોસેફ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સંદેશ પક્ષના શીર્ષ નેતૃત્વની જાણકારી કે મંજૂરી વગર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને પક્ષે જવાબદાર વ્યક્તિને ઓળખીને પદ પરથી હટાવવા સાથે ચીફ જસ્ટિસ સમક્ષ બિનશરતી માફી પણ માંગી લીધી હતી, તેમ છતાં કોર્ટે તિરસ્કારની કાર્યવાહીની બાબતને ગંભીરતાથી જાળવી રાખી છે.

સંવિધાનની સર્વોપરિતા પર ભાર મૂકતા કોર્ટે ચેતવણી આપી હતી કે કોઈ પણ રાજકીય પક્ષ કે સંસ્થા બંધારણથી ઉપર હોવાનો દાવો ન કરી શકે, અને જો આવી પ્રવૃત્તિઓને સમયસર રોકવામાં ન આવે તો ભવિષ્યમાં અન્ય સ્વતંત્ર સંસ્થાઓએ પણ આવા જ હુમલાઓનો સામનો કરવો પડી શકે છે, જેથી કાયદા મુજબ કડક પગલાં લેવા અનિવાર્ય છે.
 

આ કાનૂની કાર્યવાહી બાદ રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, અને હવે આગામી સુનાવણી દરમિયાન કેરળ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવનારા જવાબો પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

(5:23 PM IST)