<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ટ્રાફિક જામની ઝંઝટમાંથી મુક્તિ, હવે મિનિટોમાં કપાશે અંતર! દિલ્હી-ગુરુગ્રામ વચ્ચે દોડશે એક નવી હાઈટેક મેટ્રો; યશોભૂમિથી રાજીવ ચોક સુધીનો નવો રૂટ તૈયાર

DMRC એ કેન્દ્રીય શહેરી ગૃહનિર્માણ મંત્રાલયને સોંપ્યો ફાઈનલ પ્લાન (DPR); મંજૂરી મળતા જ શરૂ થશે કામ, દરરોજ દોઢ લાખથી વધુ મુસાફરોની સફર બનશે સુખદ

નવી દિલ્હી : દિલ્હી અને ગુરુગ્રામ (ગુડગાંવ) વચ્ચે દરરોજ મુસાફરી કરતા લાખો નોકરિયાતો અને સામાન્ય જનતા માટે એક અત્યંત રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં કનેક્ટિવિટીને આગલા સ્તર પર લઈ જવા માટે એક તદ્દન નવા મેટ્રો રૂટની ધમાકેદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ નવો રૂટ દિલ્હીના અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર 'યશોભૂમિ' (દ્વારકા) થી શરૂ થઈને ગુરુગ્રામના વ્યસ્ત એવા 'રાજીવ ચોક' સુધી લંબાવવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને કેન્દ્રીય શહેરી ગૃહનિર્માણ મંત્રાલયને અંતિમ મંજૂરી માટે સુપરત કરી દીધો છે.

દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેનો આ ત્રીજો સુપર રૂટ હશે

કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવશે. આ રૂટ તૈયાર થઈ ગયા પછી, દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે કુલ ત્રણ અલગ-અલગ મેટ્રો રૂટની કનેક્ટિવિટી થઈ જશે. હાલમાં મેટ્રો લાઇન મિલેનિયમ સિટી સુધી કાર્યરત છે, જ્યારે બીજા રૂટનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં મિલેનિયમ સિટીથી સેક્ટર-૯ સુધીના પ્રથમ તબક્કાનું કામ હવે પૂર્ણ થવાના આરે છે.

કેવી હશે આ નવા મેટ્રો રૂટની બ્લુપ્રિન્ટ?

આ આયોજનના બીજા તબક્કામાં મેટ્રો લાઇનને ગુરુગ્રામના સેક્ટર-૨૧ થઈને સીધી ઈફ્કો ચોક (IFFCO Chowk) સુધી લઈ જવામાં આવશે. દિલ્હીના દ્વારકાથી ગુરુગ્રામના સેક્ટર-૨૧ સુધી મેટ્રો લાઇન લંબાવવા માટેની મંજૂરી વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ આપી દેવામાં આવી છે. ગુરુગ્રામનો રાજીવ ચોક વિસ્તાર એક મોટો જંકશન પોઈન્ટ હોવાથી, આ નવો રૂટ શરૂ થવાથી હજારો વાહનચાલકો રસ્તા પરના ટ્રાફિક જામને છોડીને મેટ્રોનો આસાન વિકલ્પ પસંદ કરી શકશે.

દરરોજ દોઢ લાખ મુસાફરોને સીધો ફાયદો

DMRC ના સત્તાવાર અંદાજ અને સર્વેક્ષણ મુજબ, આ નવો રૂટ શરૂ થવાથી દરરોજ આશરે ૧,૨૫,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ જેટલા લોકો ખૂબ જ સરળતાથી અને કોઈ પણ અડચણ વગર મુસાફરી કરી શકશે. ખાસ વાત એ છે કે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની પહેલ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહના સૂચન પર કેન્દ્રીય શહેરી ગૃહનિર્માણ મંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી છે. આ રૂટ શરૂ થતાં જ દિલ્હી-ગુરુગ્રામ વચ્ચેનું અંતર કલાકોને બદલે માત્ર મિનિટોમાં સમેટાઈ જશે.

 

(7:02 PM IST)