<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પશ્ચિમ બંગાળના માન્યતા પ્રાપ્ત મદરેસામાં શુક્રવારની રજા રદ: હવે માત્ર રવિવારે જ સાપ્તાહિક અવકાશ રહેશે

અન્ય શાળાઓની જેમ સાપ્તાહિક સમયપત્રક લાગુ કરવાનો નિર્દેશ; તહેવારો અને માન્ય રજાઓ યથાવત રહેવાની સ્પષ્ટતા

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં માન્યતા પ્રાપ્ત મદરેસાઓ માટે સાપ્તાહિક રજાના નિયમમાં ફેરફાર કરતાં શુક્રવારની સાપ્તાહિક રજા સમાપ્ત કરીને હવે અન્ય શાળાઓની જેમ માત્ર રવિવારે જ સાપ્તાહિક રજા રાખવાનો નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક અને વહીવટી કામકાજ નિર્ધારિત કેલેન્ડર મુજબ ચાલી શકે.

 

આ નવા નિર્દેશ હેઠળ સંબંધિત સંસ્થાઓના વડાઓ અને સંચાલન સમિતિઓને તાત્કાલિક અસરથી વ્યવસ્થામાં ફેરફાર કરવા જણાવાયું છે અને હવે મદરેસાઓમાં રવિવારે રજા રહેશે તથા અન્ય કાર્યકારી દિવસોમાં નિર્ધારિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

 

અગાઉ કેટલાક મદરેસાઓમાં જુમ્માની નમાજ અને સ્થાનિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રજા રાખવાની અથવા રવિવારે વર્ગો ચલાવવાની પ્રણાલી હતી, પરંતુ હવે સાપ્તાહિક રજાના સમયપત્રકને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સમાન કરવામાં આવ્યું છે.

 

આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર માન્ય જાહેર રજાઓ તેમજ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની રજાઓ પર પૂર્વવત જોગવાઈઓ લાગુ રહેશે અને તેમાં કોઈ ઘટાડો કરાયો નથી.

 

આ નિર્ણય શૈક્ષણિક કેલેન્ડરમાં એકરૂપતા જાળવવા અને વહીવટી કામકાજ સુચારુ રીતે ચલાવવાના હેતુથી લેવાયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં અગાઉ બિન-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ સામે પણ કાર્યવાહીના પગલાં લેવાયા હતા.

(10:44 PM IST)