તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
આપત્તિમાં ‘દોસ્તી’નો હાથ: જાણો શું છે ‘ઓપરેશન એમિસ્ટાડ’ અને ભારતે વેનેઝુએલા માટે કેમ પસંદ કર્યું આ ખાસ નામ?
વૈશ્વિક સંકટમોચન બન્યું ભારત: ભૂકંપથી ધ્રુજી ઉઠેલા વેનેઝુએલાની વહારે પહોંચી ભારતીય સેના : સ્પેનિશ નામ પાછળ છુપાયેલો છે મુત્સદ્દીગીરી અને માનવતાનો અનોખો સંદેશ

નવી દિલ્હી: વિશ્વના નકશા પર જ્યારે પણ કોઈ દેશ કુદરતી આપત્તિનો ભોગ બન્યો છે, ત્યારે ભારતે હંમેશા એક સાચા મિત્ર તરીકે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ની ભૂમિકા ભજવી છે. તુર્કીનો ભૂકંપ હોય કે મ્યાનમારનું પૂર, ભારતે સમયાંતરે ‘ઓપરેશન દોસ્ત’ કે ‘ઓપરેશન બ્રહ્મા’ જેવા મિશનો દ્વારા હજારો લોકોના જીવ બચાવ્યા છે. આ કડીમાં હવે એક નવું પ્રકરણ ઉમેરાયું છે, જેનું નામ છે ‘ઓપરેશન એમિસ્ટાડ’ (Operation Amistad). વિનાશક ભૂકંપના આંચકાઓથી ઘેરાયેલા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની મદદ માટે ભારતીય વાયુસેનાના વિમાનો દવાઓ, ફિલ્ડ હોસ્પિટલો અને આધુનિક 'ભીષ્મ ક્યુબ્સ' સાથે રવાના થઈ ચૂક્યા છે. આ આખા ઓપરેશનને આપવામાં આવેલું નામ ‘એમિસ્ટાડ’ કોઈ હિન્દી કે અંગ્રેજી શબ્દ નથી, પરંતુ એક સ્પેનિશ શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ થાય છે— "મિત્રતા". વેનેઝુએલાની મુખ્ય ભાષા સ્પેનિશ હોવાથી ભારતે સ્થાનિક લોકો સાથે સીધો ભાવનાત્મક સંબંધ બાંધવા અને મુશ્કેલ સમયમાં સાચી દોસ્તી નિભાવવા માટે આ ખાસ નામ પસંદ કરીને વૈશ્વિક સ્તરે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભારત અને વેનેઝુએલા વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સહકારને ઉજાગર કરતું આ ઓપરેશન ભારતની વધતી વૈશ્વિક છબીનું પ્રતીક છે. આ અગાઉ પણ ભારતે વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન કોવિડ-૧૯ મહામારી વખતે ‘વેક્સીન મૈત્રી’ હેઠળ બ્રાઝિલ, મેક્સિકો અને શ્રીલંકા સહિતના દેશોમાં લાખો રસીના ડોઝ મોકલીને સંકટ સમયના સાથી તરીકેની પોતાની ઓળખ મજબૂત કરી હતી. તેમજ વર્ષ ૨૦૨૫ માં ‘ઓપરેશન સાગર બંધુ’ દ્વારા ચક્રવાત દેતવાહના પીડિતોને મદદ પહોંચાડી હતી. આ પ્રકારના ઓપરેશનો માત્ર આપત્તિ વ્યવસ્થાપન પૂરતા સીમિત નથી હોતા, પરંતુ તે વસુધૈવ કુટુંબકમની ભારતની પ્રાચીન ભાવોનાને આંતરરાષ્ટ્રીય મંચ પર જીવંત રાખે છે.
આ મહામિશનને સફળ બનાવવા માટે ઉત્તર પ્રદેશના હિંડોન એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેનાના બે વિશેષ વિમાનોમાં ૬૦ પેરા ફિલ્ડ હોસ્પિટલની એક હાઈ-ટેક મેડિકલ ટીમ વેનેઝુએલા પહોંચી ગઈ છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ વિશિષ્ટ ટીમમાં ૯ તબીબી અધિકારીઓ સહિત કુલ ૪૨ પ્રશિક્ષિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. સૌથી ગર્વની વાત એ છે કે વેનેઝુએલાની ધરતી પર બચાવ કાર્ય માટે ઉતરેલા આ ભારતીય સૈનિકોના માથા પર પ્રખ્યાત 'મરૂન ટોપી' શણગારેલી છે. આ ખાસ ટોપી ભારતીય સેનામાં માત્ર પેરા સ્પેશિયલ ફોર્સ, પેરાશૂટ રેજિમેન્ટના પેરાટ્રૂપર્સ અને ૫૦મી પેરાશૂટ બ્રિગેડ જેવા ચુનંદા અને અત્યંત ઘાતક વિશેષ દળોના જવાનો જ પહેરે છે, જે અગાઉ તુર્કીના ભૂકંપમાં પણ રાહત સામગ્રી સાથે મોરચો સંભાળતા જોવા મળ્યા હતા.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
