<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

એનાલોગ પનીર પર પ્રતિબંધની તૈયારી અને શાળાઓની આસપાસ જંક ફુડ વેચાણ સામે FSSAI ની લાલ આંખ

બ્યુરો ઓફ ફૂડ સેફ્ટી દ્વારા દેશભરમાં એનાલોગ પનીરના વેચાણ પર રોક લગાવવા અને સ્કૂલોની આસપાસ હાઈ ફેટ તથા જંક ફૂડના વેચાણને અટકાવવા માટે કડક નિયમો ઘડવાની તજવીજ હાથ ધરાઈ છે.

નવી દિલ્હી : દેશમાં પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડની ગુણવત્તાને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના અંતર્ગત FSSAIના CEO રાજિત પુનહાનીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે હાલમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના ૮ રાજ્યોમાં પ્રતિબંધિત થયેલા એનાલોગ પનીરના વેચાણ પર હવે આગામી સમયમાં સમગ્ર દેશભરમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દિશામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ સાથે જ બાળકોના સ્વાસ્થ્યને અગ્રિમ પ્રાથમિકતા આપતા FSSAI દ્વારા શાળાઓની આજુબાજુ ૫૦ મીટરના દાયરામાં હાઈ ફેટ, હાઈ સુગર અને હાઈ સોલ્ટ (HFSS) યુક્ત જંક ફૂડના વેચાણ અને માર્કેટિંગ પર સદંતર રોક લગાવવા માટે એક સઘન ડ્રાફ્ટ નિયમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે 'ઇટ રાઈટ કેમ્પેઈન' (Eat Right Campaign) નો એક મહત્ત્વપૂર્ણ હિસ્‍સા છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂલનાં બાળકોને અસ્વસ્થ થતા અટકાવીને પૌષ્ટિક આહારનું વાતાવરણ પૂરું પાડવાનો છે.
માત્ર દુકાનો જ નહીં પરંતુ ક્વિક-કોમર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ખાદ્ય પદાર્થોના વેચાણ પર કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે, કારણ કે ઓનલાઈન માધ્યમો પર ઘણી વખત મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતી નથી, જેને લઈને હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ અને પ્લેટફોર્મ્સ માટે પણ તારીખોની પારદર્શિતા દર્શાવવી ફરજિયાત બનાવવામાં આવશે તેવી નીતિ ઘડાઈ રહી છે.
ભૂતકાળમાં માત્ર રાજ્યો પૂરતી મર્યાદિત રહેલી આવી ખાદ્ય સુરક્ષાની પહેલોને હવે રાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય માળખામાં ફેરવવામાં આવી રહી છે, જેથી ગ્રાહકો અને ખાસ કરીને યુવા પેઢીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ સામે કાનૂની સકંજો કસી શકાય અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની શુદ્ધતા તેમજ ગુણવત્તા અકબંધ રાખી શકાય.

(11:25 PM IST)