News of Thursday, 24th September 2026
દેશભરમાં ડેરી વગર બનતા 'નકલી/એનાલોગ' ચીઝ-પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા FSSAI ની તૈયારી!
વનસ્પતિ તેલ અને પ્રોટીનમાંથી બનતા પ્રોડક્ટ્સમાં 'પનીર' કે 'ચીઝ' શબ્દ વાપરવા પર બ્રેક વાગશે: મુંબઈની હાઈફાઈ રેસ્ટોરન્ટના વાયરલ વિવાદ બાદ ફૂડ રેગ્યુલેટરે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી ૬૦ દિવસમાં સૂચનો મંગાવ્યા

નવી દિલ્હી: દેશભરમાં ખાણીપીણીના શોખીનો અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરાતા અટકાવવા માટે દેશની સર્વોચ્ચ ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ એક અત્યંત મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના બદલે વનસ્પતિ તેલ, પામ ઓઈલ કે વેજિટેબલ પ્રોટીનમાંથી તૈયાર થતા ડેરી સિવાયના 'એનાલોગ' ચીઝ અને પનીરના વેચાણ તેમજ માર્કેટિંગ પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવા માટે FSSAI દ્વારા એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત નિયમો અંગે આગામી ૬૦ દિવસની અંદર જાહેર જનતા અને તમામ સંબંધિત હિસ્સેદારો પાસેથી વાંધા તથા સૂચનો મંગાવવામાં આવ્યા છે.
ગ્રાહકો જે પ્રોડક્ટને શુદ્ધ ડેરી પનીર કે ચીઝ સમજીને ખરીદે છે, તેમાંથી મોટાભાગના ઉત્પાદનો 'એનાલોગ' એટલે કે નોન-ડેરી હોય છે. આ એનાલોગ પ્રોડક્ટ્સમાં દૂધની ચરબી (મલાઈ) કે મિલ્ક પ્રોટીનના સ્થાને રિફાઈન્ડ પામ ઓઈલ, હાઈડ્રોજનેટેડ વનસ્પતિ ચરબી, સુધારેલા સ્ટાર્ચ અને ઈમલ્સિફાયર જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. FSSAI ના નવા સુધારા મુજબ, જો કોઈ પ્રોડક્ટમાં કાચા માલ તરીકે શુદ્ધ દૂધ કે દૂધના ઘન પદાર્થો (મિલ્ક સોલિડ્ઝ) ન હોય, તો તેવા ઉત્પાદનોને 'ચીઝ' કે 'પનીર' નામ હેઠળ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. એટલું જ નહીં, 'ડેરી સંદર્ભમાં એનાલોગ' શ્રેણી હેઠળ અગાઉથી લાયસન્સ ધરાવતી કંપનીઓએ પણ પોતાના નામ, લેબલ કે માર્કેટિંગમાંથી "પનીર" શબ્દ તાત્કાલિક અસરથી હટાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે, આ ગંભીર મુદ્દો ગયા વર્ષે ત્યારે ભારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર મુંબઈ ખાતે આવેલી બોલિવૂડ અભિનેત્રી ગૌરી ખાનની માલિકીની એક હાઈફાઈ રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થયો હતો. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અસલી પનીરના નામે "નકલી/એનાલોગ પનીર" પીરસવામાં આવતું હોવાનો ધડાકો થયો હતો. આ ઘટના બાદ જાગેલા ફૂડ રેગ્યુલેટરે સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠકો યોજી હતી અને વનસ્પતિ તેલમાંથી બનતા પેકેટ્સ પર 'નોન-ડેરી' તથા 'એનાલોગ' શબ્દો અને તમામ ઘટકોનું સ્પષ્ટ વિવરણ લખવું ફરજિયાત બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી હતી.
FSSAI ના હાલના માનકો મુજબ શુદ્ધ ચીઝ બનાવવા માટે દૂધ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, સરકો (વિનેગર), મીઠું અને મસાલા જેવા કુદરતી પદાર્થો જ વાપરી શકાય છે અને તેમાં વનસ્પતિ તેલ કે પ્રોટીનનો ઉપયોગ સખત મનાઈ છે. હવે નવા નિયમો હેઠળ રેસ્ટોરન્ટ્સના મેનુ કાર્ડમાં પણ સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે પીરસવામાં આવતું ચીઝ શુદ્ધ 'ડેરી' છે કે 'એનાલોગ/નોન-ડેરી'. FSSAI ના આ કડક પગલાંથી હવે નકલી ચીઝ-પનીરના નામે ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી કંપનીઓ અને હોટેલો સામે લાલ આંખ થશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
