<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પેકેજ્ડ ફૂડ પર 'રેડ એલર્ટ' ચેતવણી લેબલ લગાવવામાં વિલંબ બદલ FSSAI પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કેમ?

જંક ફૂડ અને પેકેજ્ડ વાનગીઓ પર લાલ રંગનું ચેતવણી ચિહ્ન દર્શાવવામાં હજુ વધુ એક વર્ષનો સમય કેમ?: જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ચાર વર્ષના વિલંબ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.

નવી દિલ્હી : પેકેજ્ડ ખાદ્યપદાર્થોમાં રહેલી અતિશય ખાંડ, ચરબી અને મીઠા સામે ગ્રાહકોને જાગરૂક કરવા માટે પેકેટના આગળના ભાગે ('ફ્રન્ટ-ઓફ-પેક') લાલ રંગનું ચેતવણી લેબલ લગાવવાના પ્રસ્તાવિત નિયમોમાં થઈ રહેલા અસહ્ય વિલંબ સામે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (FSSAI) ને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે જ્યારે જાહેર આરોગ્યનો ગંભીર મુદ્દો સામેલ હોય ત્યારે ફૂડ રેગ્યુલેટરને નિયમો લાગુ કરવામાં આટલો બધો લાંબો સમય કેમ જોઈએ છે?

 

સુપ્રીમ કોર્ટે FSSAI દ્વારા પ્રસ્તાવિત ૩૬૫ દિવસના 'સ્વૈચ્છિક પાલન' (Voluntary Compliance) અને ચાર મહિનાના નવા સંશોધન સમયગાળા અંગે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. બેન્ચે તીખા પ્રહારો કરતા કહ્યું કે, "તમે ૨૦૨૨ માં આ પ્રક્રિયા શરૂ કરી હતી, તો છેલ્લા ચાર વર્ષમાં શું કર્યું? ફરીથી નવા વાંધાઓ મંગાવવાની અને ઉદ્યોગોને વધુ એક વર્ષની છૂટ આપવાની જરૂર શા માટે પડે છે? નાગરિકોના સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના હિતમાં આ નિયમો તાત્કાલિક લાગુ થવા જોઈએ."

 

બીજી તરફ FSSAI ના વકીલે સ્પષ્ટતા કરી હતી કે ૨૦૨૨ માં સ્ટાર-રેટિંગ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું હતું, જ્યારે હવે ખાંડ, ચરબી અને સોડિયમની વધુ માત્રા ધરાવતા પ્રોડક્ટ્સ પર 'લાલ ષટ્કોણ' (Red Hexagon) ચેતવણી લેબલ લગાવવાનો નવો પ્રસ્તાવ છે. જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ 3S અને અવર હેલ્થ સોસાયટી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી હવે જંક ફૂડ બ્રાન્ડ્સ અને પેકેજ્ડ ફૂડ ઉદ્યોગો પર લગામ કસાશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(7:04 PM IST)