News of Friday, 18th September 2026
નેસ્લે ઈન્ડિયા સામે FSSAI નો મોટો ધડાકો: બેબી ફૂડ પ્રોડક્ટ્સ અને જાહેરાતોના નિયમભંગ બદલ કેસ દાખલ, શેરમાં ૨% થી વધુનો મોટો કડાકો
નેન એક્સેલા અને લેક્ટોજેન જેવી લોકપ્રિય શિશુ આહાર પ્રોડક્ટ્સ સામે કાનૂની શંખનાદ; લેબોરેટરી ટેસ્ટિંગમાં બાયોટિન ઘટકની ઉણપ પણ છતી થઈ

નવી દિલ્હી, તા.૧૮: દેશની અગ્રણી FMCG કંપની નેસ્લે ઈન્ડિયા (Nestle India) સામે ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ કાયદાનો સૂર્યોગ્યો છે. શિશુ પોષણ (Infant Nutrition) ની પ્રોડક્ટ્સ અને તેમની ભ્રામક પ્રમોશનલ સામગ્રી સંબંધિત ખાદ્ય સુરક્ષા નિયમોના કથિત ગંભીર ઉલ્લંઘન બદલ FSSAI એ નેસ્લે ઈન્ડિયા સામે ત્રણ અલગ-અલગ નિર્ણાયક કેસ (Adjudication Cases) દાખલ કર્યા છે. આ આંચકાજનક સમાચાર સામે આવતા જ શેરબજારમાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ૧૮ સપ્ટેમ્બરે કંપનીના શેરમાં ૨% થી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
FSSAI ની તપાસ મુજબ, કંપનીની અત્યંત લોકપ્રિય પ્રોડક્ટ્સ 'NAN Excella Pro Stage 1' અને 'Lactogen Pro 1' ના પેકિંગ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કરવામાં આવેલા દાવાઓ નિયમોની વિરુદ્ધ હતા. 'NAN Excella' પર '5 HMOs' અને 'વે પ્રોટીન' જેવા આકર્ષક દાવા કરાયા હતા, જ્યારે 'લેક્ટોજેન' પર તે સહેલાઈથી પચી જતું હોવાનું દર્શાવાયું હતું. શિશુ આહાર કાયદા (IMS Act, 1992) મુજબ નવજાત શિશુઓના આહારના વેચાણને પ્રોત્સાહન આપતી આવી તમામ પ્રમોશનલ જાહેરાતો પર સખત પ્રતિબંધ છે, જેથી માતાના દૂધના વિકલ્પ તરીકે આવી પ્રોડક્ટ્સનો આડેધડ પ્રચાર ન થાય.
આટલું જ નહીં, FSSAI ના પ્રયોગશાળા પરીક્ષણમાં નેસ્લેની 'ફોલો-અપ ફોર્મ્યુલા' પ્રોડક્ટના નમૂનાઓમાંથી મહત્વપૂર્ણ વિટામિન 'બાયોટિન' (Biotin) નિર્ધારિત કાયદાકીય ધોરણો કરતાં ઓછી માત્રામાં મળી આવ્યું હતું. રેફરલ લેબોરેટરીએ પણ આ ગંભીર ઉણપની પુષ્ટિ કરી છે. શિશુઓના સ્વાસ્થ્ય સાથે થતા આ સંભવિત ખિલવાડ સામે FSSAI એ લાલ આંખ કરીને કાનૂની શંખનાદ કર્યો છે, જેણે દેશભરના વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
