<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ! અમેરિકાએ ઈરાનને આપી ગુપ્ત ચેતવણી: મોસાદના હિટલિસ્ટ પર છે ઈરાનના ટોચના નેતાઓ અરાઘચી અને ગાલીબાફ!

શાંતિ મંત્રણાના બહાને ઈરાની વાર્તાકારોને ખતમ કરવાનો ઈઝરાયેલનો હતો 'ખૂની પ્લાન'; વોશિંગ્ટને તેહરાનને એલર્ટ મોકલીને પર્દાફાશ કર્યો

તેહરાન, તા.૦૩: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ગમે ત્યારે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેવી ભયાનક સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખુદ યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) એ ઈરાનની સરકારને સત્તાવાર રીતે ગુપ્ત માહિતી મોકલીને મોટી ચેતવણી આપી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી 'મોસાદ' એ ઈરાનના ટોચના રાજદ્વારીઓ અને વાર્તાકારો (Negotiators) ને મોતના ઘાટ ઉતારવા માટે એક અત્યંત ગુપ્ત અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે.
આ હિટલિસ્ટમાં જે મુખ્ય નામો સામે આવ્યા છે, તેમાં ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. અમેરિકાની આ ચેતવણી બાદ ઈરાની સુરક્ષા એજન્સીઓએ તેમના તમામ ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા અભેદ્ય બનાવી દીધી છે.
શાંતિ વાટાઘાટોની આડમાં મોટી ઘાતની તૈયારી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ આ હુમલાને એવી જગ્યાએ અંજામ આપવાની ફિરાકમાં હતું જ્યાં વૈશ્વિક સ્તરે શાંતિ મંત્રણા ચાલી રહી હોય. આ કાવતરા પાછળનો હેતુ માત્ર ઈરાની નેતાઓનો સફાયો કરવાનો જ નહોતો, પરંતુ મધ્ય-પૂર્વમાં શાંતિ માટે થઈ રહેલા તમામ પ્રયાસોને કાયમ માટે દફનાવી દેવાનો હતો. અમેરિકા, જે સામાન્ય રીતે ઈઝરાયેલનું કટ્ટર સમર્થક માનવામાં આવે છે, તેણે પણ આ વખતે પ્રાદેશિક સ્થિરતા જોખમાતી જોઈને ઈરાનને સીધી બાતમી પૂરી પાડી છે. આ બાબત દર્શાવે છે કે જો આ હુમલો સફળ થયો હોત, તો તે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાબિત થઈ શક્યો હોત.
અમેરિકા અને ઈરાન વચ્ચે 'બેક-ચેનલ' ડિપ્લોમેસી સક્રિય
આ સનસનાટીભર્યા ખુલાસાએ વૈશ્વિક રાજદ્વારી આલમમાં હલચલ મચાવી દીધી છે. કટ્ટર દુશ્મન ગણાતા અમેરિકા અને ઈરાન વચ્ચે આવી સંવેદનશીલ ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન થવું એ બહુ મોટી ઘટના છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાન સાથે સીધા સૈન્ય સંઘર્ષને ટાળવા માંગે છે, કારણ કે જો કોઈ મોટી ઈરાની હસ્તી પર હુમલો થાય તો ઈરાનનો વળતો પ્રહાર સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના બજારને બરબાદ કરી શકે છે. હાલમાં આ મુદ્દે ઈઝરાયેલ સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તેહરાનમાં ભારે સન્નાટો અને તણાવનો માહોલ છે.

(4:19 PM IST)