તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ભારતીય અર્થતંત્ર માટે ચિંતાના એંધાણ: જૂન ૨૦૨૬માં માંગ ઘટતા દેશનો સર્વિસ સેક્ટર PMI ૧૭ મહિનાના સૌથી નીચલા સ્તરે, લપસીને ૫૭.૪ પર પહોંચ્યો
અઢી વર્ષમાં નવા ઓર્ડરની વૃદ્ધિ સૌથી નબળી નોંધાઈ; મે મહિનાના ૫૯.૮ની સરખામણીએ મોટો ઘટાડો, પરંતુ હજુ પણ વિસ્તરણની રેખાથી ઉપર

નવી દિલ્હી, તા.૦૩: ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા સેવા ક્ષેત્ર (સર્વિસ સેક્ટર) માં જૂન ૨૦૨૬ના મહિના દરમિયાન મોટો બ્રેક વાગ્યો છે. એક ખાનગી ક્ષેત્રના આર્થિક સર્વે અનુસાર, દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ ગત ૧૭ મહિનામાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ આંચકા પાછળનું મુખ્ય કારણ બજારમાં ગ્રાહકો તરફથી માંગમાં આવેલો નોંધપાત્ર ઘટાડો અને અઢી વર્ષમાં નવા ઓર્ડર મળવાની પ્રક્રિયામાં નોંધાયેલી સૌથી નબળી વૃદ્ધિ હોવાનું સામે આવ્યું છે, જેને પગલે કોર્પોરેટ જગતમાં ચિંતાની લકીરો ખેંચાઈ છે.
આર્થિક ગતિવિધિઓ માપતો 'HSBC ઇન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ' મે મહિનામાં ૫૯.૮ પોઇન્ટ પર હતો, જે જૂન મહિનામાં જોરદાર ઘટાડા સાથે ૫૭.૪ પોઇન્ટ પર આવી ગયો છે. જો કે, રાહતની વાત એ છે કે આ ઇન્ડેક્સ હજુ પણ ૫૦-માર્કની તટસ્થ રેખાથી ઉપર છે. અર્થશાસ્ત્રના નિયમ મુજબ, ૫૦થી ઉપરનો સ્કોર સેક્ટરમાં વિસ્તરણ (ગ્રોથ) દર્શાવે છે અને ૫૦થી નીચેનો સ્કોર સંકોચન તરફ ઈશારો કરે છે. આ ઇન્ડેક્સ ભલે લાંબા ગાળાની સરેરાશથી ઉપર રહ્યો હોય, પરંતુ તે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી ધીમો ઉછાળો હોવાનું અહેવાલમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે.
નવા ઓર્ડરની સુસ્તીએ વધારી ચિંતા
સર્વેના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં જૂન મહિના દરમિયાન અપેક્ષા કરતાં ઓછી માગ જોવા મળી હતી. આ નબળા દેખાવને કારણે ઉદ્યોગો અને કંપનીઓને મળતા નવા બિઝનેસ ઓર્ડરની ગતિ ધીમી પડી ગઈ છે, જે છેલ્લા ૩૦ મહિનામાં સૌથી નબળી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો આગામી મહિનાઓમાં માંગમાં ઝડપી સુધારો નહીં થાય, તો તેની સીધી અસર રોજગારીની નવી તકો અને દેશના એકંદર જીડીપી (GDP) ગ્રોથ રેટ પર પણ પડી શકે છે. આગામી તહેવારોની સીઝન પર હવે ઉદ્યોગ જગતની મીટ મંડાયેલી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
