News of Wednesday, 8th July 2026
ઇંધણ નીતિ પર દિલ્હીમાં જંગ: ૨૦૨૩ પહેલાના વાહનોમાં E20 પેટ્રોલથી નુકસાન થશે તો શું કંપનીઓ વળતર આપશે? ઓટો ઉત્પાદકોને કેજરીવાલનો સણસણતો પત્ર
મારુતિ, ટોયોટા અને હીરો સહિત ૨૯ ઓટો કંપનીઓ પાસે AAP નેતાએ માંગી સ્પષ્ટતા; 'ગ્રાહકો ખુશ છે, વિવાદ માત્ર ખોટી રજૂઆત' કહી કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વિપક્ષને ઘેર્યો

નવી દિલ્હી, તા.૦૮: ભારતમાં વાહનો માટે લાગુ કરવામાં આવેલી E20 (૨૦ ટકા ઇથેનોલ-મિશ્રિત) પેટ્રોલ નીતિને લઈને કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી (AAP) સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં જૂના વાહનો પર E20 ઇંધણની નકારાત્મક અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ વિરોધને વધુ તીવ્ર બનાવતા તેમણે દેશની ૨૯ અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક કંપનીઓને ઔપચારિક પત્રો લખીને વર્ષ ૨૦૨૩ પહેલા બનેલા વાહનોની સુરક્ષા અંગે ખુલ્લી સ્પષ્ટતા માંગી છે. દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે આ પત્રો જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "મેં દેશના ૨૯ ઓટો ઉત્પાદકોને પત્ર લખ્યા છે. તેમાંથી પહેલો પત્ર ખાસ કરીને ત્રણ મોટી કંપનીઓ- મારુતિ સુઝુકી ઇન્ડિયા, ટોયોટા કિર્લોસ્કર મોટર અને હીરો મોટોકોર્પને મોકલવામાં આવ્યો છે, જ્યારે બીજો પત્ર બાકીની ૨૬ કંપનીઓને મોકલાયો છે." કેજરીવાલના જણાવ્યા મુજબ, આ ત્રણ કંપનીઓએ સરકારી પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે E20 ઇંધણથી જૂના વાહનોમાં કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ તેમની પોતાની ઓનર્સ મેન્યુઅલ (વાહનની માર્ગદર્શિકા) માં સ્પષ્ટ લખેલું છે કે જૂના વાહનોમાં E10 થી વધુ ઇથેનોલવાળું પેટ્રોલ વાપરવું જોઈએ નહીં.
આ વિરોધાભાસને લઈને કેજરીવાલે ઓટો કંપનીઓ સમક્ષ બે આકરા સવાલો મૂક્યા છે. તેમણે પૂછ્યું છે કે, કંપનીઓ સત્તાવાર રીતે ગ્રાહકોને જણાવે કે શું ૨૦૨૩ પહેલા બનેલી કાર કે બાઇકમાં E20 ઇંધણનો ઉપયોગ સુરક્ષિત છે? અને જો આ ઇંધણના કારણે વાહનની માઇલેજમાં ૫ ટકાથી વધુનો ઘટાડો થાય અથવા એન્જિનના કોઈ ભાગને (ઘટકને) નુકસાન પહોંચે, તો શું ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકોને થયેલા આ આર્થિક નુકસાનની ભરપાઈ કે વળતર આપશે?
બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સમગ્ર વિવાદને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે E20 ઇંધણ સામે ગ્રાહકોને સમસ્યા થઈ રહી હોવાના અહેવાલો તદ્દન "ખોટી રજૂઆત" અને ભ્રામક છે. તેમણે ઉમેર્યું કે, "આપણે છેલ્લા સાડા ત્રણ વર્ષથી E15 નો ઉપયોગ કરી રહ્યા છીએ અને એપ્રિલ ૨૦૨૩ થી સફળતાપૂર્વક E20 તરફ આગળ વધ્યા છીએ. કાર ઉત્પાદકો અને ગ્રાહકો બંને આ ઇંધણથી સંપૂર્ણ સંતુષ્ટ છે." કેન્દ્રીય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાના E25 મિશ્રણ તરફ આગળ વધવાનું થશે, ત્યારે તમામ જરૂરી પરીક્ષણો અને ઓટોમેકર્સ સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવાશે, તેથી જનતાએ ભયભીત થવાની કોઈ જરૂર નથી.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
