News of Sunday, 31st May 2026
શ્રીલંકામાં ઈંધણનો ભડકો: પેટ્રોલ ₹434 અને ડીઝલ ₹407ને પાર : પશ્ચિમ એશિયાના યુદ્ધે પડોશી દેશની કમર તોડી નાખી
હોર્મુઝમાં વધતા તણાવ અને વૈશ્વિક ક્રૂડ સપ્લાય ખોરવાતા શ્રીલંકામાં છેલ્લા ત્રણ મહિનામાં પાંચમી વખત ભાવવધારો ઝીંકાયો: જનતા પર આર્થિક બોજ વધતા હાહાકાર

કોલંબો: પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતના પડોશી દેશ શ્રીલંકાના રસોડા અને ખિસ્સા પર જોવા મળી રહી છે. વિશ્વના તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અછતને કારણે શ્રીલંકામાં પેટ્રોલના ભાવમાં ₹24નો તોતિંગ વધારો થતા નવો ભાવ ₹434 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. તેવી જ રીતે, ડીઝલમાં ₹15ના વધારા સાથે તે ₹407ના સ્તરે પહોંચી ગયું છે. આ ભાવવધારાએ માત્ર વાહનચાલકો જ નહીં, પણ સામાન્ય જનતા માટે કેરોસીન (₹285) પણ મોંઘું કરી દીધું છે, જે મધ્યમ વર્ગ માટે મોટો ફટકો છે.
સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) દ્વારા જાહેર કરાયેલા આ નવા દરો રવિવારથી અમલી બન્યા છે. નવાઈની વાત એ છે કે છેલ્લા 22 દિવસમાં જ ત્રણ વખત કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે દેશની ઉર્જા સુરક્ષા કેટલી નાજુક સ્થિતિમાં છે. ફેબ્રુઆરીના અંતમાં જે પેટ્રોલ ₹293 હતું, તે આજે ₹434 પર પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ લોકોને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે ગંભીર અપીલ કરી છે, કારણ કે આયાત ખર્ચ વધવાને કારણે વિદેશી હૂંડિયામણ પર ભારે દબાણ આવી રહ્યું છે.
આર્થિક સંકટ માત્ર ઇંધણ પૂરતું મર્યાદિત નથી, પણ શ્રીલંકન રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો હોવાથી ફુગાવો બેકાબૂ બન્યો છે. મોંઘવારીને ડામવા માટે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે ત્રણ વર્ષ બાદ પોલિસી રેટમાં 1% (100 બેસિસ પોઈન્ટ)નો વધારો કરીને વ્યાજ દર 8.75% કરી દીધો છે. આ નિર્ણયને કારણે હવે સામાન્ય લોકો માટે બેંક લોન લેવી પણ મોંઘી બનશે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ જો લાંબો ચાલશે, તો શ્રીલંકાની અર્થવ્યવસ્થા ફરી એકવાર 2022 જેવી ગંભીર કટોકટી તરફ ધકેલાઈ શકે છે તેવી ભીતિ નિષ્ણાતો સેવી રહ્યા છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
