<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભાગેડુ ઝાકિર નાઈકનો હિડન કેમેરામાં મોટો સ્વીકાર: "મોદી સરકાર સત્તામાંથી બહાર થશે ત્યારે જ ભારત પાછો ફરીશ"

વર્ષ ૨૦૧૬થી મલેશિયામાં આશ્રય લઈને બેઠેલા વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશકનું સ્ટિંગ ઓપરેશન: ભારતીય રાજકારણમાં શાસન પરિવર્તનની ઈચ્છા વ્યક્ત કરી ડર છતો કર્યો

નવી દિલ્હી: ભારતમાં ભડકાઉ ભાષણો આપવા, આતંકવાદી ભંડોળ પૂરું પાડવું અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ હેઠળ વોન્ટેડ અને વર્ષ ૨૦૧૬થી ફરાર ભાગેડુ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકનું અસલી સત્ય એક સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે. 'રિપબ્લિક ભારત' દ્વારા કરવામાં આવેલા આ ખુલાસામાં ઝાકિર નાઈકે છુપા કેમેરા સામે કબૂલાત કરી છે કે તે વર્તમાન મોદી સરકારના શાસન દરમિયાન ક્યારેય ભારત પાછો ફરશે નહીં. તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યારે કેન્દ્રમાં ભાજપ સત્તામાંથી બહાર થશે અને શાસન પરિવર્તન આવશે, ત્યારે જ તે ભારત પરત ફરવાનું જોખમ લેશે.

સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઝાકિર નાઈકનો ડર સ્પષ્ટપણે છતો થયો છે, જેમાં તેણે સ્વીકાર્યું છે કે જો તે મોદી સરકારના કાર્યકાળમાં ભારતમાં પગ મૂકશે તો ક્યારેય બહાર નહીં આવી શકે. મલેશિયાના કુઆલાલંપુરમાં બેસીને ભારતીય સુરક્ષા એજન્સીઓ અને કાયદાકીય પ્રક્રિયાથી બચતા ફરતા આ ભાગેડુએ ભારતમાં સરકાર બદલવા માટે સક્રિય એવા જુદા જુદા સંગઠનો અને વિરોધી જૂથોને ખુલ્લો ટેકો આપવાની વાત પણ સ્વીકારી છે. તે કેન્દ્ર સરકારના પતન અને સત્તા પરિવર્તનની રાહ જોઈ રહ્યો છે જેથી કરીને તેના વિરુદ્ધના કડક પગલાં હળવા થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક મુંબઈમાં 'ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન'  ચલાવતો હતો અને તેના ભાષણો દ્વારા અશાંતિ ફેલાવવાના આક્ષેપો બાદ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકારે UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ આ સંસ્થાને પ્રતિબંધિત જાહેર કરી હતી. મુંબઈ પોલીસે તેની ઓફિસો સીલ કરી દીધા બાદ તે વિદેશ ભાગી ગયો હતો અને આજદિન સુધી ભારતની અદાલતો સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યો છે, પરંતુ તાજેતરના આ સ્ટિંગ ઓપરેશને તેના નાપાક ઈરાદાઓને ફરી એકવાર જગજાહેર કરી દીધા છે.

(6:24 PM IST)