<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દિવાળી પહેલાં મોંઘવારીનો વધુ એક આંચકો : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, અમદાવાદમાં રૂ. ૨,૮૪૨ થયા

૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. ૧૦થી ૧૧.૫૦ સુધીનો વધારો : અમદાવાદમાં રૂ. ૧૦.૫૦ અને દિલ્હીમાં રૂ. ૧૦ વધ્યા : ઘરેલું રાંધણગેસના ભાવ યથાવત

નવી દિલ્હી, તા. ૧ : દિવાળીના તહેવાર પહેલાં હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક એકમો માટે એલપીજી ગેસ મોંઘો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ૧ નવેમ્બરથી દેશના વિવિધ શહેરોમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અમલમાં મૂક્યો છે.

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર રૂ. ૨,૮૧૦થી વધીને રૂ. ૨,૮૨૦ થયો છે. ગુજરાતના અમદાવાદમાં રૂ. ૨,૮૩૧.૫૦નો સિલિન્ડર હવે રૂ. ૨,૮૪૨માં મળશે. ચેન્નાઈમાં રૂ. ૧૧.૫૦નો વધારો થતાં કિંમત રૂ. ૨,૯૯૪.૫૦ થઈ છે.

જોકે સામાન્ય પરિવારોને રાહત આપતા ૧૪.૨ કિલોગ્રામના ઘરેલું રાંધણગેસના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલું સિલિન્ડર રૂ. ૯૪૨ અને અમદાવાદમાં રૂ. ૯૪૯ના ભાવે યથાવત છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરની શરૂઆતમાં પણ કોમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. સતત બીજા મહિને થયેલા ભાવવધારાની અસર હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને ખાણીપીણીના વ્યવસાયો ઉપર પડી શકે છે. 

(9:09 AM IST)