તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
શ્રીલંકા ક્રિકેટના ભવિષ્ય પર ICC ના ચૅરમૅન જય શાહ અને રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
વચગાળાની સમિતિ મુદ્દે ICC ની નારાજગી અને ક્રિકેટ બોર્ડમાં સુધારા અંગે થઈ ઉચ્ચ સ્તરીય ચર્ચા, શ્રીલંકા ક્રિકેટમાં બદલાવના સંકેત.

કોલંબો : ICC ના ચૅરમૅન જય શાહે ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે કોલંબો ખાતે મુલાકાત કરીને શ્રીલંકા ક્રિકેટ (SLC) ના સંચાલન અને તેના ભવિષ્યના આર્થિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. આ બેઠક મુખ્યત્વે શ્રીલંકા ક્રિકેટમાં ચાલી રહેલા વહીવટી વિવાદો અને નવી ગવર્નિંગ બૉડીની રચનાના મુદ્દાઓ પર કેન્દ્રિત રહી હતી.
આ મુલાકાત સમયે બેઠકમાં શ્રીલંકા ક્રિકેટ (SLC)ની વચગાળાની સમિતિની નિમણૂક અંગે ICCની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી જેને ICC એના નિયમોની વિરુદ્ધ માને છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડની નવી ગવર્નિંગ બૉડી બનાવવા, શ્રીલંકા ક્રિકેટના ભવિષ્ય અને આર્થિક વિકાસ વિશે પણ બન્ને વચ્ચે ચર્ચા થઈ હતી.
વર્ષોથી શ્રીલંકા ક્રિકેટમાં સરકારી હસ્તક્ષેપ અને વચગાળાની સમિતિઓની નિમણૂકને કારણે ICC દ્વારા અગાઉ પણ ચેતવણીઓ આપવામાં આવી છે. આ બેઠક બાદ એવી આશા સેવાઈ રહી છે કે, શ્રીલંકા ક્રિકેટ હવે સ્વતંત્ર અને સ્થાયી ગવર્નિંગ બૉડી તરફ આગળ વધશે. ICC ના ચૅરમૅન તરીકે જય શાહની આ મુલાકાતને બોર્ડમાં પારદર્શિતા લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
હવે જોવાનું એ રહે છે કે, આ બેઠક બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા બંધારણીય સુધારા અને ચૂંટણી પ્રક્રિયા અંગે શું નક્કર પગલાં લેવામાં આવે છે. જો શ્રીલંકા સરકાર ICC ના નિર્દેશોનું પાલન કરશે, તો સંભવિત સસ્પેન્શન કે અન્ય પ્રતિબંધોનું જોખમ ટળી શકે છે. નજીકના ભવિષ્યમાં શ્રીલંકા ક્રિકેટમાં નવી ગવર્નિંગ બૉડીની ચૂંટણીઓ માટેની પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
