તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 9th July 2026
સોશિયલ મીડિયાના ફેક ન્યૂઝ પર ગડકરી ભડક્યા: "E20 પેટ્રોલથી એન્જિન બગડ્યું હોય તેવી એક પણ કાર મને બતાવો!"
ઇથેનોલ મિશ્રિત ઇંધણથી માઇલેજમાં નજીવો ઘટાડો શક્ય પણ એન્જિન ફેઇલ થવાના દાવા તદ્દન બકવાસ : ટ્રાફિક અને ઓઇલ માફિયાઓની ભેળસેળને કારણે ગાડીઓ ખોટવાતી હોવાનો કેન્દ્રીય મંત્રીનો ધડાકો

પુણે: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર વાહનોના એન્જિનને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર જોરદાર પ્રહાર કર્યો છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની ખાસ વાતચીતમાં તેમણે E20 પેટ્રોલ (20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ) ના કારણે વાહનોના એન્જિન બગડી જતા હોવાના દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ગડકરીએ પડકાર ફેંકતા કહ્યું કે, "સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલો એક સુનિયોજિત અને ખોટી વાર્તાનો ભાગ છે. મને દેશભરમાંથી એવી એક પણ કાર બતાવો જેનું એન્જિન માત્ર E20 ઇંધણના કારણે સીઝ કે ડેમેજ થયું હોય." તેમણે સ્પષ્ટ કર્યું કે પુણે સ્થિત દેશની ટોચની ટેસ્ટિંગ લેબ 'ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (ARAI) ના સેંકડો કડક પરીક્ષણો અને ગ્રીન સિગ્નલ બાદ જ આ ઇંધણ દેશભરમાં લાગુ કરાયું છે.
જો કે, કેન્દ્રીય મંત્રીએ વાહનની એવરેજ એટલે કે માઇલેજમાં થતા નજીવા ઘટાડાની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. તેમણે વૈજ્ઞાનિક કારણ આપતા સમજાવ્યું કે શુદ્ધ પેટ્રોલની સરખામણીએ ઇથેનોલનું કેલરીફિક મૂલ્ય (હીટિંગ કેપેસિટી) ઓછું હોય છે, જેના લીધે ઇંધણમાં ઇથેનોલનું પ્રમાણ વધતા વાહનની સરેરાશ માઇલેજ પર 'થોડી અસર' પડી શકે છે. પરંતુ તેમણે ઉમેર્યું કે ગાડીની એવરેજ માત્ર ઇંધણ પર નહીં, પણ ડ્રાઇવિંગ કન્ડિશન પર વધુ આધાર રાખે છે. દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક અને વારંવાર લાગતી રેડ લાઇટના કારણે વાહનો સતત નીચલા ગિયરમાં ચાલે છે, જે માઇલેજ ઘટવાનું ખરું કારણ છે. જો તમે હાઇવે પર ૧૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે એકધારી ગાડી ચલાવો તો માઇલેજમાં સામાન્ય સિવાય કોઈ મોટો તફાવત જોવા મળતો નથી.
ગડકરીએ એન્જિન બગડવાની ઘટનાઓ પાછળનો અસલી પડદો ઊંચકતા જણાવ્યું કે ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે આ નુકસાન પાછળ E20 ઇંધણ નહીં, પરંતુ પેટ્રોલ પંપો પર થતી ઇંધણની ભેળસેળ અને બળતણમાં રહેલો ભેજ (પાણીનું પ્રમાણ) જવાબદાર છે. જૂની ગાડીઓના અમુક રબરના પાર્ટ્સ પર ઇથેનોલની નજીવી અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ ઓટો ઉત્પાદકોને સર્વિસિંગ દરમિયાન તે બદલી આપવા સૂચના અપાઈ છે. ભવિષ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર હવે 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ટેકનોલોજીને જોરશોરથી પ્રોત્સાહન આપી રહી છે, જે ભારતના ઓટો સેક્ટરને પ્રદૂષણ મુક્ત અને આર્થિક રીતે સસ્તું બનાવશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
