<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ગેમ ઓવર? ઓનલાઈન ગેમિંગ માટે 1 મેથી બદલાશે દુનિયા : કેન્દ્ર સરકારનું મોટું એક્શન

'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (OGAI) સંભાળશે સુકાન; ડેટા સુરક્ષાથી લઈને રજીસ્ટ્રેશન સુધીના નિયમો થશે કડક: મંત્રાલયોના દિગ્ગજ અધિકારીઓ રાખશે બાજ નજર

નવી દિલ્હી:  ભારતમાં ઓનલાઈન ગેમિંગનું જે રીતે અનિયંત્રિત બજાર વધી રહ્યું હતું, તેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. 'ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટ, 2025' હેઠળ સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ નવા કાયદા મુજબ, આગામી 1 મે થી દેશમાં એક શક્તિશાળી નિયમનકારી સંસ્થા 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (OGAI) અસ્તિત્વમાં આવશે. આ ઓથોરિટી માત્ર ગેમ્સનું રજીસ્ટ્રેશન જ નહીં કરે, પરંતુ ગેમર્સના ડેટાની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે પણ લોખંડી દિશાનિર્દેશો જાહેર કરશે.

આ હાઈ-પ્રોફાઈલ ઓથોરિટીનું માળખું પણ એટલું જ મજબૂત બનાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના અધિક સચિવ આ ઓથોરિટીના અધ્યક્ષ રહેશે. આ સિવાય, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવોને આ બોર્ડમાં સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે હવે ઓનલાઈન ગેમિંગમાં નાણાકીય લેવડદેવડથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાઓના માનસિક સ્વાસ્થ્ય સુધીના તમામ પાસાઓ પર સરકારની સીધી નજર રહેશે. કોઈપણ કંપની હવે સરકારની મંજૂરી વગર ભારતીય બજારમાં ગેમ લોન્ચ કરી શકશે નહીં.

આ નવા નિયમો લાગુ થવાથી ગેમિંગ કંપનીઓ માટે કમ્પ્લાયન્સ (પાલન) નો બોજ વધશે, પરંતુ સામાન્ય યૂઝર્સ માટે આ એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે. ખાસ કરીને સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓ અને યુવાનોમાં વધતી જતી ગેમિંગની લતને નિયંત્રિત કરવા માટે OGAI પાસે વિશેષ સત્તાઓ હશે. ૧ મે થી ગેમિંગ પ્લેટફોર્મ્સે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો મુજબ જ ઓપરેટ કરવું પડશે, અન્યથા તેમના પર ભારે દંડ કે પ્રતિબંધની તલવાર લટકી શકે છે. ડિજિટલ ઈન્ડિયાના વિઝન હેઠળ લેવાયેલું આ પગલું ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા લાવવા માટે 'માઈલસ્ટોન' સાબિત થઈ શકે છે.

(7:15 PM IST)