તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
પંજાબના સંગરૂર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત : કારે અડફેટે લેતા મનરેગાના 8 મજૂરોના મોત :અનેક લોકો ગંભીર
સંગરૂર જિલ્લાના લહેરાગાગા-જાખલ માર્ગ પર મનરેગા હેઠળ રસ્તાનું કામ ચાલતું હતું,અકસ્માત સમયે લગભગ 23 મજૂરો ત્યાં કામગીરી કરી રહ્યા હતા.

પંજાબના સંગરૂર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લહેરાગાગા-જાખલ રોડ પર મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલા મજૂરોને પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં આશરે 8 મજૂરોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મૃત્યુઆંક અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંગરૂર જિલ્લાના લહેરાગાગા-જાખલ માર્ગ પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. અકસ્માત સમયે લગભગ 23 મજૂરો ત્યાં કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવેલી એક કારે રસ્તા પર કામ કરતા મજૂરોને જોરદાર ટક્કર મારી હતી. કારની અડફેટે અનેક મજૂરો આવી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
આ અકસ્માતમાં 8 મજૂરોનાં મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે અનેક મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં મજૂરો અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, મૃતકોની ઓળખ તેમજ ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.
મજૂરો પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે ઘટનાસ્થળે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સ્થાનિક સ્તરે દોડધામ શરૂ થઈ હતી. આ દુર્ઘટનાએ રસ્તા પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા ઊભી કરી છે.
અકસ્મત બાદ સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસન અને એમ્બ્યુલન્સ વ્યવસ્થાની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. ગંભીર અકસ્માતની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કેટલી ઝડપથી ઉપલબ્ધ થાય છે તે બાબતે પણ ચર્ચા શરૂ થઈ છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ આ ઘટનામાં 8 મજૂરોનાં મોત થયાના પ્રાથમિક અહેવાલ છે. સત્તાવાર પુષ્ટિ બાદ જ મૃત્યુઆંક અને ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ થશે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
