News of Saturday, 26th September 2026
ગંગા એક્સપ્રેસ વે પર ભાજપના ધારાસભ્યની ફોર્ચ્યુનર કારનો ભયાનક અકસ્માત: હાઈસ્પીડમાં કારનું ટાયર ફાટતા ગાડી બેકાબૂ બની!
ડિબાઈ બેઠકના ભાજપ MLA ચંદ્રપાલ સિંહ લોધી સહિત કારમાં સવાર લોકો ઈજાગ્રસ્ત; દિલધડક અકસ્માતના સમગ્ર દ્રશ્યો CCTV કેમેરામાં કેદ

બુલંદશહર : ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસ વે (Ganga Expressway) પર શનિવારે એક અત્યંત સનસનાટીભર્યો અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાજપના ડિબાઈ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચંદ્રપાલ સિંહ લોધી (Chandrapal Singh Lodhi) ની ફોર્ચ્યુનર કાર સાથે સર્જાયેલી આ ભયાનક ઘટનાથી એક્સપ્રેસ વે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને આખી ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ધારાસભ્ય ચંદ્રપાલ સિંહ લોધી પોતાની વિઆઈપી ફોર્ચ્યુનર કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગંગા એક્સપ્રેસ વે પર ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારનું એક ટાયર અચાનક ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે છૂટી ગયો હતો અને કાર ડિવાઈડર તથા માર્ગ કિનારે જોરદાર ધડાકા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
અકસ્માતમાં કારનો આગળનો ભાગ બુરી રીતે કચડાઈ ગયો હતો, જે ટક્કરની તીવ્રતા બતાવે છે. આ દિલધડક અકસ્માતમાં ધારાસભ્ય ચંદ્રપાલ સિંહ લોધી સહિત કારમાં સવાર અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો અને એક્સપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
