તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ગંગા એક્સપ્રેસ વે પર કાળનો સંહાર: બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાતા આઇટી કંપનીના વાઇસ ચેરમેન સહિત પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
છઠ પૂજાની ખુશીઓ માતમમાં ફેરવાઈ: પ્રયાગરાજ જઈ રહેલા પરિવારની કાર અકસ્માતનો ભોગ બનતા અરેરાટી

હરદોઈ : બુધવારે બપોરે હરદોઈ જિલ્લાના સેન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા અંતવા ગામ નજીક ગંગા એક્સપ્રેસ વે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક અનિયંત્રિત કાર પૂરપાટ ઝડપે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં આઇટી કંપનીના વાઇસ ચેરમેન, તેમની પત્ની અને સાત વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો દોઢ વર્ષનો નાનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મૃતકની ઓળખ પ્રયાગરાજના નીમ સરાય મુંડેરા સ્થિત EWS હાઉસિંગ નંબર 431 ના રહેવાસી સૌરભ ઉપાધ્યાય તરીકે થઈ છે, જેઓ ગૌતમ બુદ્ધ નગરની એક ખાનગી આઇટી કંપનીમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. પરિવાર પોતાની XUV-300 કાર (UP 16 DM 6279) માં સવાર થઈને મહાપર્વ છઠ પૂજામાં સામેલ થવા માટે પ્રયાગરાજસ્થિત પોતાના પૈતૃક ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન આ કુદરતી કહેર તૂટી પડ્યો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને દંપતી તથા તેમનો સાત વર્ષનો પુત્ર વ્યોમ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત જ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા દોઢ વર્ષના નાના પુત્ર શિવમને તાત્કાલિક સારવાર અર્થ બિલગ્રામના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બિલગ્રામ હોસ્પિટલમાં બાળકની નાજુક હાલત અને ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે હરદોઈ રિફર કર્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક બનેલી છે. તંત્ર દ્વારા આ માર્ગ અકસ્માત અંગેની નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
