<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્‍નોઈ હવે સાબરમતી જેલમાં શિફટઃ ખતરનાક આતંકીઓની વચ્‍ચે કેદ!

બિશ્‍નોઈને પંજાબની જેલમાંથી અમદાવાદની સાબરમતી સેન્‍ટ્રલ જેલ લાવ્‍યા બાદ ૨૦૦૮ના સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટના દોષિતો સાથે ધકેલવામાં રખાશે

અમદાવાદ, તા.૨૭: દેશભરમાં ચકચાર મચાવનાર કુખ્‍યાત ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈની સુરક્ષા વ્‍યવસ્‍થાને લઈને જેલ પ્રશાસને વધુ એક કડક પગલું ભર્યું છે. તેને અગાઉના નાના અને મર્યાદિત દસ ખોલી બ્‍લોકમાંથી હટાવીને હવે સાબરમતી સેન્‍ટ્રલ જેલના સૌથી ખતરનાક અને હાઈ-સિકયોરિટી વાળા બ્‍લોક ૨૦૦ માં શિફ્‌ટ કરવામાં આવ્‍યો છે. આ ખાસ બ્‍લોકમાં માત્ર સામાન્‍ય ગુનેગારો નહીં, પરંતુ ૨૦૦૮ના સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટના દોષિતો અને આતંકવાદ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા દેશના ટોચના ૨૦૦ ખતરનાક કેદીઓને રાખવામાં આવે છે. ૨૦૨૩માં ભટિંડા જેલથી અમદાવાદ લાવ્‍યા બાદ લોરેન્‍સને માત્ર ૧૦ કેદીઓની ક્ષમતા ધરાવતા દસ ખોલીમાં રાખવામાં આવ્‍યો હતો, પરંતુ તેની વધતી ગતિવિધિઓ અને કડક સુરક્ષાના ભાગરૂપે હવે તેને આ મોટા અને અત્‍યંત પ્રતિબંધિત બ્‍લોકમાં ખસેડવામાં આવ્‍યો છે.

આ નવા હાઈ-સિકયોરિટી બ્‍લોકની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે કેદીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે. સુરક્ષા વ્‍યવસ્‍થા એટલી મજબૂત છે કે લોરેન્‍સ બિશ્નોઈ સાથે તેના વકીલો પણ રૂબરૂ મળવાને બદલે માત્ર વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા જ વાતચીત કરી શકે છે, અને કોર્ટની કાર્યવાહી પણ ઓનલાઈન જ પાર પાડવામાં આવે છે. આખા બ્‍લોકને ચાર અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્‍યો છે, જેમાં દરેક વિભાગમાં માત્ર ૫૦ કેદીઓ જ રહે છે અને પ્રત્‍યેક સેલનું માપ આશરે ૭.૫ બાય ૧૧ ફૂટનું છે, જેથી એક સેલથી બીજા સેલમાં કોઈ હિલચાલ કે સંપર્ક ન થઈ શકે. અગાઉ પંજાબ અને તિહાર જેલમાંદ રહીને તે સરળતાથી ધમકીભર્યા ઓડિયો-વિડિયો સંદેશાઓ મોકલતો અને ઇન્‍ટરવ્‍યુ આપતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં તપાસકર્તાઓને તેના તરફથી કોઈ સીધો ફોન કે સંપર્ક મળ્‍યો નથી.

ઝેડ પ્‍લસ જેવી સુરક્ષા અને કાયદાકીય કડકાઈ વચ્‍ચે, લોરેન્‍સ બિશ્નોઈ જેવા હાઈ-પ્રોફાઈલ ગેંગસ્‍ટરને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૩૦૩ હેઠળ જેલ બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતા આ ખાસ બ્‍લોકમાં રાખવાથી ગેંગના નેટવર્કને મોટો ફટકો પડ્‍યો છે. મુંબઈ હુમલાઓ સહિત અનેક રાજ્‍યોમાં ફેલાયેલા તેના ગુનાહિત સામ્રાજ્‍ય પર અંકુશ મેળવવા માટે જેલ પ્રશાસનની આ વ્‍યુહાત્‍મક કાર્યવાહી અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે

(2:14 PM IST)