News of Thursday, 24th September 2026
ઝજ્જરમાં ગેંગસ્ટરના ફિલ્મી લગ્ન: ૩ બાળકો સાથે કંબોડિયાથી આવેલી દુલહન સાથે જેલમાંથી ૧૨ કલાકના પેરોલ પર છૂટેલા મનપાલ ઢિલ્લાને લીધા સાત ફેરા
૨૦૧૮માં પેરોલ પરથી ભાગીને કંબોડિયા સ્થાયી થયેલા અને ૨૦૨૫માં ભારત લવાયેલા આજીવન કેદના ગુનેગારના લગ્ન માટે ફાર્મહાઉસ પોલીસ છાવણીમાં ફેરવાયું: રાત્રે ૮ વાગ્યે જેલમાં વાપસી

ઝજ્જર : હરિયાણાના ઝજ્જર જિલ્લાના દુલીના ગામ નજીક આવેલ એક ફાર્મહાઉસમાં બોલિવૂડની કોઈ ક્રાઈમ-ડ્રામા ફિલ્મ જેવો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. બહાદુરગઢ હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટર મનપાલ ઢિલ્લાને ખાસ લગ્ન માટે ૧૨ કલાકના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. સવારે ૮ વાગ્યે જેલમાંથી બહાર આવેલા ગેંગસ્ટરે કડક પોલીસ જાપ્તા વચ્ચે કંબોડિયન નાગરિક મેટા ચાન સાથે હિન્દુ વિધિ મુજબ સાત ફેરા લીધા હતા અને રાત્રે ૮ વાગ્યા સુધીમાં તેણે પુનઃ જેલ સળિયા પાછળ પહોંચવું પડ્યું હતું.
મનપાલ ઢિલ્લાની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઝજ્જર-ગુરુગ્રામ રોડ પર આવેલા દુલીના ફાર્મહાઉસને સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા ૫૦૦ થી ૬૦૦ જેટલા સંબંધીઓ અને મહેમાનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા મીડિયાના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કંબોડિયાની દુલ્હન મેટા ચાન તેના ત્રણ બાળકો અને પરિવારના સભ્યો સાથે આ ખાસ લગ્ન પ્રસંગ માટે ઝજ્જર પહોંચી હતી. ઢિલ્લા અને મેટા ચાનને કુલ ચાર બાળકો છે, જેમાંથી એક બાળક હાલ કંબોડિયામાં જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૭ના હત્યા અને કાવતરાના કેસમાં કોર્ટે ૨૦૧૩માં મનપાલને આજીવન કેદ ફટકારી હતી. ૨૦૧૮માં ૬ અઠવાડિયાના પેરોલ મળ્યા બાદ તે જેલમાં પરત ફરવાને બદલે દેશ છોડીને ભાગી ગયો હતો અને કંબોડિયામાં વસી ગયો હતો. હરિયાણા પોલીસ અને સીબીઆઈની વિનંતીથી નવેમ્બર ૨૦૨૪માં રેડ નોટિસ જારી કરાયા બાદ કંબોડિયન અધિકારીઓના સહયોગથી જુલાઈ ૨૦૨૫માં તેની ધરપકડ કરાઈ હતી અને સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. જેલ સજા દરમિયાન મળેલા આ ૧૨ કલાકના ટૂંકા પેરોલમાં નિયત સમય મુજબ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી ગેંગસ્ટર રાત્રે જેલ હવાલે થઈ ગયો હતો.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
