તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ગેંગસ્ટરોનો ખેલ ખતમ: આતંકવાદ અને અંડરવર્લ્ડના ગઠબંધનને તોડવા એજન્સીઓનો માસ્ટરપ્લાન
લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને રોહિત ગોદારા જેવી ખતરનાક ગેંગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને નેસ્તનાબૂદ કરવા NIA અને ૬ રાજ્યોની પોલીસ વચ્ચે યોજાઈ મહાબેઠક : હવે પાકિસ્તાની ડ્રોન અને સરહદ પારના ષડયંત્રો સામે ઘડાશે 'કોમન ડેટાબેઝ'

ચંદીગઢ: દેશના સુરક્ષા તંત્રએ ભારતમાં સક્રિય અંડરવર્લ્ડ અને આતંકવાદીઓના વધતા જતા ગઠબંધન સામે હવે આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. ચંદીગઢમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ડાયરેક્ટર જનરલની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ચંદીગઢના ટોચના પોલીસ અધિકારીઓ એક મંચ પર આવ્યા હતા. તમામ રાજ્યોની પોલીસે ભેગા મળીને ખતરનાક ગેંગસ્ટરોની બદલાતી રણનીતિઓ અને તેમના રાષ્ટ્રવ્યાપી નેટવર્કને કાયમ માટે તોડી પાડવા માટે એક અત્યંત કડક અને સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
આ મહાબેઠકનો મુખ્ય એજન્ડા લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને રોહિત ગોદારા જેવી કુખ્યાત ગેંગ્સના સિન્ડિકેટને ધ્વસ્ત કરવાનો હતો. સુરક્ષા એજન્સીઓએ આ ગેંગ્સ સામે લડવા માટે એક 'કોમન ડેટાબેઝ' બનાવવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તમામ રાજ્યોના પોલીસ અધિકારીઓ પળવારમાં ગેંગસ્ટરો, તેમના લોકલ કનેક્શન, શાર્પશૂટર્સ અને હવાલા નેટવર્કની લાઈવ માહિતી એકબીજા સાથે શેર કરી શકશે. તાજેતરમાં અમેરિકાની તપાસ એજન્સી FBI દ્વારા આ ગેંગ્સ સામે કરવામાં આવેલી કડક ચાર્જશીટની પણ બેઠકમાં ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ ગેંગસ્ટરો હવે વૈશ્વિક સ્તરે દેશની સુરક્ષા માટે મોટો પડકાર બની ગયા છે.
બેઠકમાં સૌથી મોટો ચિંતાનો વિષય પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને સરહદ પારથી ઓપરેટ થતા ટેરર-ગૅંગસ્ટર નેટવર્કનો હતો. પંજાબ બોર્ડર દ્વારા પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવતા ઘાતક હથિયારો અને ડ્રગ્સના સપ્લાય ચેઈનને રોકવા માટે એક નવી અને અત્યાધુનિક કાર્ય યોજના પર સહમતિ બની છે. ગેંગસ્ટરો સ્થાનિક સ્તરે ગુના આચરવા માટે આ વિદેશી હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, જેને ડામી દેવા માટે હવે તમામ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ એકસાથે મળીને મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
