તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
કેરળમાં ડાબેરીઓના કિલ્લામાં ગાબડું: પિનરાઈ વિજયન પાછળઃ કોંગ્રેસનો હાથ મજબૂત!
જ્યારે સત્તાની હેટ્રિકનું સપનું જોતા મુખ્યમંત્રી વિજયન પોતે ૨,૦૦૦ મતોથી પછડાયાઃ ભાજપ પણ ખાતું ખોલવા આતુર દાયકાઓ જૂના લાલ ગઢમાં પરિવર્તનની આંધીઃ યુડીએફ બહુમતીના આંકડાને પાર કરી વિજય તરફ અગ્રેસર

તિરુવનંતપુરમ, તા.૪: કેરળના રાજકીય ઇતિહાસમાં આજે એક એવો વળાંક જોવા મળી રહ્યો છે જેની કદાચ ડાબેરી પક્ષોએ કલ્પના પણ નહીં કરી હોય. ગોડ્સ ઓન કન્ટ્રી ગણાતા કેરળમાં આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીના પ્રારંભિક વલણોએ જ સત્તાધારી LDF ના હોશ ઉડાવી દીધા છે. ૧૪૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૭૧ બેઠકોની જરૂર છે, જેની સામે કોંગ્રેસની આગેવાની હેઠળનું UDF ગઠબંધન ૫૮ બેઠકો પર મજબૂત લીડ સાથે આગળ વધી રહ્યું છે. સૌથી મોટો ઉલટફેર મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં તેઓ ત્રણ રાઉન્ડના અંતે ૨,૦૦૦ મતોથી પાછળ ચાલી રહ્યા છે, જે ડાબેરીઓ માટે પરાજયની મોટી ચેતવણી સમાન છે.
આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની જંગ નથી, પરંતુ ડાબેરી વિચારધારાના અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. જો કેરળમાં LDF ની હાર થશે, તો ૧૯૬૦ પછી પહેલીવાર એવું બનશે કે ભારતના કોઈ પણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર નહીં હોય. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીથી જ કોંગ્રેસે જે રણનીતિ અપનાવી હતી, તે આજે રંગ લાવતી દેખાય છે. ૭૮.૨૭ ટકાના તોતિંગ મતદાન બાદ જનતાએ પરિવર્તનનો જે મિજાજ બતાવ્યો છે, તેનાથી દાયકાઓ જૂની પરંપરા તૂટતી જણાય છે. બીજી તરફ, ભાજપ પણ સાત બેઠકો પર આગળ રહીને રાજ્યના દ્વિધ્રુવી રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે.
૪૩ સ્થળો પર ચુસ્ત સુરક્ષા અને ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓની દેખરેખ હેઠળ ચાલી રહેલી આ મતગણતરીમાં હજુ અનેક રાઉન્ડ બાકી છે, પરંતુ માહોલ અત્યારે કોંગ્રેસ છાવણીમાં ઉત્સવ જેવો છે. ૧૫,૪૬૪ કર્મચારીઓ અને કેન્દ્રીય દળોની ૨૫ કંપનીઓના પહેરા હેઠળ પરિણામોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો આ વલણો અંતિમ પરિણામમાં ફેરવાશે, તો કેરળમાં લાલ સલામનો યુગ સમાપ્ત થશે અને કોંગ્રેસનો ફરી એકવાર સૂર્યોદય થશે. ભાજપ માટે પણ આ ચૂંટણી પોતાનું ખાતું ખોલીને દક્ષિણ ભારતમાં પગપેસારો કરવાની સુવર્ણ તક સાબિત થઈ શકે છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
