<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

મુંબઈની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ગર્ગઈ ડેમ પ્રોજેક્ટને મે ૨૦૨૯ સુધીમાં ઝડપથી પૂર્ણ કરાશે

સહ્યાદ્રી અતિથિ ગૃહ ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ યોજનાની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા

મુંબઈની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ગર્ગઈ ડેમ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહ્યાદ્રી અતિથિ ગૃહ ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ યોજનાની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પુનર્વસન, વનીકરણ અને નિર્માણ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપતા મે ૨૦૨૯ સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યરત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

પાલઘર જિલ્લાના દેવલી વિસ્તારમાં બનનારો આ ગર્ગઈ ડેમ મુંબઈ શહેરના લાંબા ગાળાના જળ પુરવઠાને વધુ મજબૂત અને સુનિશ્ચિત કરશે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના પૂર્ણ થયા બાદ વધતી જતી વસ્તી અને પાણીની ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે મુંબઈને વધારાનું પાણી પૂરું પાડી શકાશે. આ પ્રોજેક્ટથી મુંબઈની જળ સુરક્ષા વધુ મજબૂત થશે અને ઉનાળા દરમિયાન ઊભી થતી પાણીની અછતમાંથી રાહત મળશે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ ૮૪૪ હેક્ટર જમીન પ્રભાવિત થશે, જેમાં ૧૮૬ હેક્ટર ખાનગી જમીન અને ૬૫૮ હેક્ટર વન જમીનનો સમાવેશ થાય છે. આ યોજનાના કારણે ઓગાડા અને ખોડ્ડે ગામ સંપૂર્ણપણે જ્યારે પાચઘર, તિલમાલા, ફનસગાવ અને આમલે ગામ આંશિક રીતે પ્રભાવિત થશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત પરિવારોનું યોગ્ય પુનર્વસન તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તમામ પરિવારોને યોગ્ય સુવિધાઓ અપાશે.

 

પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા માટે ડૂબમાં જતી ૬૫૮ હેક્ટર વન જમીનના બદલામાં ૧૪૦૦ હેક્ટર જમીન પર વૈકલ્પિક વનીકરણ (અફોર્ડ સ્ટેશન) કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વન વિભાગને વધારાની જમીન ફાળવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૩,૦૬૫ કરોડ છે, જેમાં ડેમ, સ્પિલવે, વીજ ઉત્પાદન એકમ અને ૨૨ આવશ્યક પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ અને પર્યાવરણીય મંજૂરીઓની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. પ્રોજેક્ટની ડિઝાઇનને જનજાતીય કાર્ય મંત્રાલય (MoTA) અને રાષ્ટ્રીય ભૂકંપ માનક સમિતિ તરફથી ટેકનિકલ મંજૂરી મળી ચૂકી છે, જ્યારે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ પાસેથી આખરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. મુખ્યમંત્રીએ પર્યાવરણ અને પુનર્વસનના તમામ નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.

(12:48 AM IST)