<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

જયપુરમાં નરસંહારઃપતિ બન્‍યો હેવાનઃ રાતના સમયે પત્‍ની અને ત્રણ દીકરીના માથા છુંદી નાખ્‍યા

માનવતાને શર્મસાર કરતી ઘટનાઃ ત્રણેય દીકરીઓની ઉંમર ૧૭થી ૨૩ વર્ષની વચ્‍ચે

જયપુર,તા.૧૨: રાજધાની જયપુરમાં હચમચાવી નાખતો નરસંહાર સામે આવ્‍યો છે. અહીં એક શખ્‍સે નિર્દયતાપૂર્વક ઊંઘમાં સૂઈ રહેલી પોતાની પત્‍ની અને ત્રણ જવાન દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી. હેવાન બનેલા આ શખ્‍સના ચહેરા પર ચાર હત્‍યાઓ બાદ પણ જરા પણ અફસોસ નહોતો. તેણે નિડર થઈને સવારે પોતાના વૃદ્ધ પિતાને ચા પીવડાવી અને ખુદ પણ પીધી. ત્‍યાર બાદ તે ઘરેથી ફરાર થઈ ગયો. દીકરાના ગયા બાદ વૃદ્ધે જ્‍યારે વહુ અને પૌત્રીઓની લોહીથી લથબથ લાશો જોઈ તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ.

પરિવારના ચાર સભ્‍યોની લાશ જોયા બાદ વૃદ્ધ આઘાતમાં સરી પડ્‍યા. આજુબાજુના લોકોને આ ઘટનાની જાણ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. સૂચના મળતા જ પોલીસ પણ આવી પહોંચી. લોહીથી લથબથ લાશ જોઈ ભલભલા ધ્રુજવા લાગ્‍યા. હત્‍યા પાછળનું કારણ શું હતું હજુ સુધી જાણવા નથી મળ્‍યું.

માનવતા શર્મસાર કરતી આ ઘટના જયપુરના કરધની વિસ્‍તારના ગોવિદપુરામાં ગુરુવાર રાતે થઈ હતી. કળિયુગી પિતા અને પતિ રાહુલ ઝાની આ ખતરનાક હરકતથી આખી ગુલાબીનગરમાં સોપો પડી ગયો. પોલીસે આરોપીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે, પણ હજુ સુધી કોઈ પત્તો મળ્‍યો નથી.

ડીસીપી જયપુર વેસ્‍ટ પ્રશાંત કિરણ અનુસાર, ઘટનાને અંજામ આપનારો શખ્‍સ રાહુલ ઝા છે. તે પોતાના પરિવાર સહિત ગોવિદપુરા વિસ્‍તારમાં રહે છે. આ ઘટનાને ગુરુવાર રાતે તે સમયે અંજામ આપ્‍યો જ્‍યારે રાહુલ ઝા આખા ઘરના લોકો આરામથી સૂઈ રહ્યા હતા. રાહુલની પત્‍ની ગીતા (૪૦) અને ત્રણ દીકરીઓ નંદિની, ગિરીશા અને રાધિકા ગાઢ નીંદરમાં સૂઈ રહ્યા હતા. આ ત્રણેય દીકરીઓની ઉંમર ૧૭થી ૨૩ વર્ષની વચ્‍ચે છે. તે સમયે રાહુલ ઝાના માથે હેવાનિયત સવાર થઈ.

તેણે બાજુમાં ચાલતા બાંધકામવાળી જગ્‍યાએ એક ભારે ઈંટ ઉપાડી અને એક એક કરીને ચારેયના માથા પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલો એટલો શક્‍તિશાળી હતો કે રૂમની દીવાલો અને ફર્શ પર લોહીના લાલ છાંટા ઉડવા લાગ્‍યા. આ ચારેયને ચીસો પાડવાનો પણ મોકો ન મળ્‍યો. આટલી ભયાનક ઘટનાને અંજામ આપ્‍યા બાદ રાહુલના ચહેરા પર જરા પણ અફસોસ નહોતો. બાદમાં ખુદ ચા પીને ઘરેથી ભાગી ગયો.

ચા પીવા સુધી પિતા લક્ષ્મીનારાયણને આ ઘટનાની જરા પણ જાણ ન થવા દીધી હતી. દીકરાએ પરિવારને ખતમ કર્યા બાદ પિતાને ચા પીવડાવી. સવારે લગભગ ૧૦ વાગ્‍યા સુધીમાં રાહુલ ઝાના ઘરમાં કોઈ હલચલ ન થઈ તો પાડોશીઓને શંકા ગઈ. આ દરમ્‍યાન રાહુલના ઘરમાં લોહીના છાંટા જોઈ પાડોશીઓ વાતો કરવા લાગ્‍યા. ત્‍યાર બાદ ઘરે પહોંચ્‍યા. ત્‍યાંની હાલત જોઈ લોકોના હોશ ઉડી ગયા.

ત્‍યાર બાદ આજુબાજુના લોકોએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ કરધની પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ સાથે આવી પહોંચી. ઘરની અંદરનો નજારો જોઈ પોલીસકર્મી પણ ચોંકી ગયા. એક જ રૂમમાં પત્‍ની અને ત્રણ દીકરીઓની લોહીથી લથબથ લાશો પડી હતી. ઘરમાં ખાલી રાહુલ ઝાના ૮૫ વર્ષિય વૃદ્ધ પિતા હતા. તેઓ આ ભયાનક ઘટનાથી આઘાતમાં હતા.

ઘટનાની સંવેદનશીલતા જોતા ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરી અને ડોગ સ્‍ક્‍વાડની ટીમોને તરત ઘટનાસ્‍થળે બોલાવી. એફએસએલ ટીમે લોહીના નમૂના, ઈંટ પર આંગળીઓના નિશાન અને ઘટનાસ્‍થળેથી અન્‍ય મહત્ત્વના પુરાવા પણ એકઠા કર્યા છે. આ ઘટનાથી આખા વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ.

(9:46 AM IST)