<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

યુએઇ - પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય મતભેદો: ઈરાન મુદ્દે પાકિસ્તાનના વલણથી નારાજગી: પાકિસ્તાની નાગરિકો દ્વારા ગુનાખોરી અને ભીખ માંગવાની વધતી પ્રવૃત્તિઓને પગલે વિઝાના નિયમો કડક કરાયા

ઈરાન મુદ્દે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થીના પ્રયાસથી યુએઇ ભારે નારાજ: વિદેશી નીતિઓમાં પાકિસ્તાનનું બેવડું વલણ યુએઇને બિલકુલ પસંદ નથી: જેની સીધી અસર ત્યાં કામ કરતા પાકિસ્તાની નાગરિકો પર પડી રહી છે : યુએઇમાં પ્રવેશતા પાકિસ્તાની નાગરિકોમાં ભીખ માંગવી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો અને દાણચોરી જેવા ગુનાઓમાં સંડોવણીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું

દુબઈ: આંતરરાષ્ટ્રીય માધ્યમોના અહેવાલો મુજબ, પાકિસ્તાન અને યુએઇ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ભારે ખટાશ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો અને ખાસ કરીને ઈરાન મુદ્દે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી બનવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનાથી યુએઇ ભારે નારાજ છે. વધુમાં, પાકિસ્તાન અને અન્ય અખાતી દેશો વચ્ચે વધી રહેલી નિકટતા પણ આ નારાજગીનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. 

 

તાજેતરમાં જ આ અસંતોષના ભાગરૂપે યુએઇ દ્વારા પાકિસ્તાન પાસેથી અગાઉ આપેલી સાડા ત્રણ અબજ ડોલરની લોન તાત્કાલિક પરત માંગવામાં આવી હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. વિદેશી નીતિઓમાં પાકિસ્તાનનું આ બેવડું વલણ યુએઇને બિલકુલ પસંદ આવી રહ્યું નથી, જેની સીધી અસર ત્યાં કામ કરતા પાકિસ્તાની નાગરિકો પર પડી રહી છે.

 

રાજકીય મતભેદો ઉપરાંત સામાજિક અને કાયદાકીય કારણો પણ આ કડક કાર્યવાહી પાછળ જવાબદાર છે. વિવિધ માધ્યમોએ નોંધ્યું છે કે યુએઇમાં પ્રવેશતા પાકિસ્તાની નાગરિકોમાં ભીખ માંગવી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો અને દાણચોરી જેવા ગુનાઓમાં સંડોવણીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ કારણોસર છેલ્લા કેટલાક મહિનાઓથી યુએઇ દ્વારા પાકિસ્તાનીઓ માટે નવા વિઝા આપવા પર ભારે નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને વિઝા નામંજૂર થવાનો દર ખૂબ ઊંચો ગયો છે. 

 

સ્થાનિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી સરકાર દ્વારા પાકિસ્તાની કર્મચારીઓ અને નાગરિકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેના પરિણામે ત્યાંની સ્થાનિક કંપનીઓ પણ હવે પાકિસ્તાની કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવા જેવા કડક પગલાં લઈ રહી હોવાનું જાણવા મળે છે.

(9:23 AM IST)